મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત મહાનગરના વિકાસને નવી ઊંચાઇ આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ હેતુસર મુખ્યમંત્રીએ સુરત શહેરી વિકાસ સત્તામંડળ-SUDAના ડ્રાફટ ડેવલપમેન્ટ પ્લાન ર૦૩પને આખરી મંજૂરી આપીને ફાયનલ કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાનગરો-નગરોના ઝડપી સુગ્રથિત વિકાસની પ્રતિબદ્ધતા સાથે ડી.પી.ની પરવાનગી આપવામાં ત્વરિત નિર્ણાયકતાનો અભિગમ અપનાવેલો છે. સુડા દ્વારા મંજૂરી માટે મોકલવામાં આવેલો આ ડેવલપમેન્ટ પ્લાન પરત્વે જાન્યુઆરી-ર૦૧૯માં રિઝર્વેશન સિવાયની જમીનો તેમજ નવેમ્બર-ર૦૧૯માં રિઝર્વેશનની જમીનો માટે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા સંબંધમાં આવેલા વાંધા-સૂચનો ધ્યાનમાં લઇને મુખ્યમંત્રીએ પ્રાથમિક જાહેરનામા આખરી કરીને સુડાનો આ ફાયનલ ડી.પી. મંજૂર કર્યો છે. આ ડેવલપમેન્ટ પ્લાન મંજૂર થતાં આશરે ૮પ૦ હેકટર્સ જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ થશે. ૩૦ વર્ષથી રિઝર્વેશનમાં રખાયેલી જમીનો મુકત થવાથી ખેડૂતો-જમીન માલિકોને વિકાસ સપના સાકાર થવાની નવી દિશા ખૂલી છે. હવે, અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવેની બેય બાજુ ૧ કિ.મી.ના કામરેજથી પલસાણા સુધીના પ૦ ચો. કિ.મી. વિસ્તારમાં હાઇડેન્સીટી રેસીડેન્શીયલ અને કોમર્શીયલ ડેવલપમેન્ટ આ ડી.પી. મંજૂર થવાથી થઇ શકશે. પ્રધાનમંત્રીશ્રીના ડ્રીમ પ્રોજેકટ અમદાવાદ-મુંબઇ બૂલેટ ટ્રેનના સુરત નજીકના સૂચિત ભવ્ય સ્ટેશન અંતરોલી અને તેની આસપાસના વિસ્તારમાં હાઇડેન્સીટી રેસીડેન્શીયલ-કોમર્શીયલ ડેવલપમેન્ટ માટે પણ નવી ક્ષિતીજો ખૂલવાની છે.
કામરેજ-પલસાણા કોરીડોર, અંતરોલી હાઇસ્પીડ કોરીડોર જેવી અતિ મહત્વપૂર્ણ દરખાસ્તોને અંતિમ મંજૂરી મળવાથી બૂલેટ ટ્રેન, મેટ્રો રેલ્વે અને ટ્રાન્સપોર્ટ ફેસેલિટીઝ માટે નવી દિશા મળશે. હજિરા વિસ્તારમાં થઇ રહેલા ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખી ડેવલપમેન્ટ પ્લાનમાં સૂચવાયેલ સૂચિત ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ કોરીડોર આ વિસ્તારમાં વધુ આયોજનબદ્ધ રીતે ઔદ્યોગિક વિકાસને બળ પુરૂં પાડશે. એટલું જ નહિ, રોજગારીની તકો ખૂલશે અને શહેરની અર્થવ્યવસ્થાને વેગ મળશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, નવા ઝોનિંગવાળા વિસ્તારમાં ખાસ કરીને હાઇડેન્સીટી કોરીડોરમાં તાત્કાલીક અસરથી ટી.પી સ્કીમ્સનું આયોજન કરવામાં આવશે. આના પરિણામે આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ સાથે સુઆયોજિત સવલતો પણ આપી શકાશે. સુરતના સ્માર્ટ સિટી તરીકેના નિર્માણમાં વેગ લાવવામાં મુખ્યમંત્રીશ્રીનો આ નિર્ણય અત્યંત ઉપકારક નિવડશે.