નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારી અંતર્ગત ધંધા-રોજગારને આર્થિક રીતે નુકશાન થતાં તબીબી શિક્ષણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓને સહાયરૂપ થવા માટે રાજ્યની સરકારી અને જી.એમ.ઇ.આર.એસ. હસ્તકની આઠ મેડીકલ કોલેજ અને ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ફી માં આ વર્ષ પુરતો કોઇ વધારો નહીં કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્યની સરકારી તથા જી.એમ.ઇ.આર.એસ. હસ્તકની કુલ-૧૭ મેડીકલ કોલેજ તથા ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતાં ૩૨૫૦ વિદ્યાર્થીઓને લાભ મળશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, તબીબી શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે હયાત ફી લેવામાં આવે છે તે જ લેવાશે. રાજ્યમાં જી.એમ.ઇ.આર.એસ. હસ્તકની સોલા, ગોત્રી, ગાંધીનગર, વલસાડ, ધારપુર, હિંમતનગર, જુનાગઢ અને વડનગર મળી કુલ-૮ કોલેજો અને ૬ સરકારી મેડીકલ કોલેજ, સરકારી ડેન્ટલ કોલેજ ૨ અને જી.એમ.ઇ.આર.એસ. હસ્તકની ૧ ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતાં કુલ-૩૨૫૦ વિદ્યાર્થીઓને આ રાહતનો લાભ મળશે.
તેમણે ઉમેર્યુ કે, સરકારી ક્વોટાની વાર્ષિક ટ્યુશન ફી રૂ. ૩ લાખ, મેનેજમેન્ટ ક્વોટાની વાર્ષિક ટ્યુશન ફી રૂ. ૮ લાખ ૨૫ હજાર અને એન.આર.આઇ. ક્વોટાની વાર્ષિક ટ્યુશન ફી ૨૦ હજાર યુ.એસ. ડોલર જે ગયા વર્ષે નિયત કરાઇ હતી તે જ ફી આ વર્ષે પણ આ ધોરણે વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્ય સરકારની આઠ મેડીકલ કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે રૂ.૨૫,૦૦૦/- વાર્ષિક ફી, સરકારી ડેન્ટલ કોલેજમાં વાર્ષિક રૂ.૨૦,૦૦૦/- તથા જી.એમ.ઇ.આર.એસ. હસ્તકની સિધ્ધપુરની ડેન્ટલ કોલેજમાં સરકારી અને મેનેજમેન્ટ ક્વોટા માટે રૂ. ૨ લાખ તથા એન.આર.આઇ. ક્વોટા માટે રૂ.૧૦,૦૦૦/- ડોલર ફી લેવામાં આવે છે. તે જ ધોરણે આ વર્ષે પણ ફી લેવામાં આવશે. આમ આ વર્ષ પુરતું સરકારી-જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ-ડેન્ટલ કોલેજોની ફી માં કોઇ વધારો કરવામાં નહીં આવે જેનો લાભ ૩૨૫૦ વિદ્યાર્થીઓને મળશે.