ગાંધીનગરના રાંદેસણની પ્રમુખ પ્રાઈડ સોસાયટીમાં રહેતા રહીશને ટેલીગ્રામ ગ્રૂપમાં એડ કરી ગૂગલ મેપ લીંન્ક મોકલી છ રીવ્યુ ટાસ્ક પૂર્ણ કરવાની અવેજીમાં શરૂઆતમાં 300 રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરી વધુ પૈસા કમાવવાની લાલચ આપી રૂ. 11.39 લાખની છેતરપિંડી મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે ભેજાબાજ ગેંગના સાગરિતને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે, આ માસિક ભાડે બેંક એકાઉન્ટ રાખીને સમગ્ર નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનું પણ બહાર આવ્યું છે.
ગાંધીનગર રાંદેસણની પ્રમુખ પ્રાઈડ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ રોમૈયા અંકમને તા. 23 માર્ચ 2023 નાં રોજ સુરેશભાઈના મોબાઈલના અજાણ્યા નંબરથી પાર્ટ ટાઈમ નોકરી માટેનો મેસેજ આવ્યો હતો. જેમાં ગુગલ મેપ રીવ્યુનો ટાસ્ક કમ્પલીટ કરવા બદલ રૂપિયા 50 બેંક ખાતામાં જમા મળશે. જે માટે ટેલીગ્રામ ગ્રુપમાં એડ થવાનો ઉલ્લેખ હતો. આથી ઓનલાઇન માધ્યમથી 50 રૂપિયા કમાવાની લાલચમાં આવી ગયેલા સુરેશભાઈએ એક ટેલીગ્રામ ચેનલમાં જોડાયા હતા. બાદમાં ગઠિયાએ માંગ્યા મુજબ તેમણે બેંક ખાતાની વિગતો તેમજ IFSC કોડ પણ આપી દીધો હતો. અને બેંક ખાતામાં સુરેશભાઈએ ગુગલ મેપ રીવ્યુના છ ટાસ્ક પુરા પણ કરી દીધા હતા. જેની અવેજીમાં તેમના ખાતામાં 300 રૂપિયા પણ જમા થયા હતા.
ત્યારબાદ તેમને પ્રીપેઇડ ટાસ્ક કરવાનું કહી ગઠિયાએ સારા રીટર્નની લાલચ આપતા સુરેશભાઈએ તબક્કાવાર તા. 13/3/2023 थी ता. 17/3/2023 सुधी 11 लाभ 39 હજાર ટ્રાન્સફર કરી દીધા હતા. આમ માત્ર પાંચ દિવસના ગાળામાં લાખો ગુમાવવાનો વખત આવતાં તેમણે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. જેનાં પગલે રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવની સૂચનાથી પીઆઈ જે કે રાઠોડે ઝિણવટપૂર્વક તપાસ હાથ ધરીને સાયબર ફ્રોડ આચરતી ગેંગના સાગરિત સુજલ બાબુભાઈ પટેલ(રહે. નેમીનાથ સોસાયટી, રાણીપ) ને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.
આ અંગે પીઆઈ રાઠોડે કહ્યું કે, આ સમગ્ર તપાસ દરમ્યાન બેંક એકાઉન્ટ ભાડે રાખીને નેટવર્ક ચલાવવામાં આવતું હતું. સુજલ પટેલ બોપલમાં ગાડી લેવેચની ઓફિસમાં નોકરી કરતો હતો. ત્યારે તેની ઓળખાણ આશિક પટેલ નામના ઈસમ સાથે થઈ હતી. જેનાં થકી સુજલ વર્ચ્યુઅલ માધ્યમથી રાજસ્થાનનાં કમલ નામના ભેજાબાજનાં સંપર્કમાં આવ્યો હતો. બાદમાં કમલનાં કહેવાથી સુજલે અમદાવાદના બે શ્રમજીવી યુવાનોને તેમના નામના બેંક એકાઉન્ટ ભાડે લેવાની વાત કરી મહિને 15 થી 20 હજાર ભાડું આપવાની લાલચ આપી હતી.
એટલે બંને શ્રમજીવી યુવાનોએ તેમના ડોક્યુમેન્ટ સુજલને આપી દીધા હતા. જેનાં આધારે સુજલે કરંટ બેંક એકાઉન્ટ ખોલાવી પોતાનો રજીસ્ટર મોબાઇલ રાખ્યો હતો. બાદમાં રાજસ્થાનમાં બેઠેલ કમલ ટેલીગ્રામ ગ્રુપનાં મેસેજ લોકોને મોકલી આપતો. એવો જ એક મેસેજ સુરેશભાઈનાં મોબાઈલના પણ ગયો હતો. અને ગૂગલ મેપ લિંક રીવ્યુનું ટાસ્ક આપી છેતરપીંડી આચરી હતી. આ લોકો શરૂઆતમાં ઓછી રકમની સામે કમિશન ચૂકવી દઈ વિશ્વાસ કેળવી બાદમાં મોટી રકમ ટ્રાન્ફર કરાવી લેતા હતા.
આ પેટે સુજલને એક બેંક એકાઉન્ટ દીઠ 50 હજાર મળતા હતા. જેમાથી તે જેતે બેંક એકાઉન્ટ હોલ્ડરને દસ પંદર હજાર ભાડું આપતો હતો. ઉક્ત ગુનામાં અમદાવાદના બેંક એકાઉન્ટમાં પણ અમુક પૈસા ટ્રાન્સફર થયેલા હતા. સુજલ પટેલનું નામ સામે આવતા વધુ તપાસ શરૂ કરાઈ હતી. ત્યારે માલુમ પડેલ કે, સુજલ વિરુદ્ધ સીઆઇડી ક્રાઇમમાં પણ સાયબર ફ્રોડનો ગુનો નોંધાયેલ હતો. જે ગુનામાં સુજલ સેન્ટ્રલ જેલમાં હતો. જેની ટ્રાન્ફર વોરંટનાં આધારે ધરપકડ કરી પૂછતાંછ કરતાં સમગ્ર નેટવર્ક બહાર આવ્યું છે.
સીઆઈડી ક્રાઇમના ગુનામાં સુજલનું બેંક એકાઉન્ટ ફ્રીજ કરવામાં આવેલું છે. જેનાં ખાતામાં દોઢ કરોડ જેટલી માતબર રકમ છે. જે પૈકી સવા ચાર લાખ જેવી રકમ સુરેશભાઈની છે. રાજસ્થાનનો કમલ નામનો ઈસમ વર્ચ્યુઅલ માધ્યમથી જ સુજલને સૂચના આપતો. અને ખાતામાં પૈસા ટ્રાન્ફર થાય એટલે તુરંત સુજલ તેને RTGS કરી દેતો હતો. જો કે સુજલ જે ખાતામાં RTGS કરતો એય ફ્રોડ હોવાનું સામે આવ્યું છે. જેની આગળની તપાસ ચાલી રહી છે.