ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણીની સાથે વિધાનસભાની પાંચ બેઠકો માટે પેટા ચૂંટણી આવી પડી છે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ઉપરાંત એક અપક્ષ એક આપનાં ધારાસભ્ય રાજીનામુ ધરી દેતા વિધાનસભાની પેટા ચૂંટણી આવી પડી છે.લોકસભાની ચૂંટણી માર્ચના બીજા સપ્તાહમાં જાહેર થઇ શકે છે. આ જોતાં ભાજપ હાઇકમાન્ડે ઉમેદવારોની ઘોષણા શરૂ કરી દીધી છે. એવુ જાણવા મળ્યુ છે કે, લોકસભાની ચૂંટણીની સાથે રાજ્યમાં ખાલી પડેલી પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.
આ જોતાં ભાજપ-કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીને લઇને કવાયત તેજ કરી છે. ગઈકાલે કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને અલવિદા કહી દેતા આ બેઠક પણ ખાલી થઈ છે હવે કોંગ્રેસમાંથી ચિરાગ પટેલ સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયા એમ ત્રણ ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે.
ખંભાત બેઠક પર કોંગ્રેસને અલવિદા કહીને ચિરાગ પટેલે કેસરિયા કયર્િ છે. આ જોતાં આ બેઠક ખાલી પડી છે. કોગ્રેસના અન્ય એક ધારાસભ્ય સી.જે.ચાવડાએ પણ વિજાપુર બેઠક પર ધારાસભ્યપદે રાજીનામુ ધર્યુ છે. વિસાવદર બેઠક પર આપ્ના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પક્ષપલટો કરીને કેસરિયો ખેસ ધારણ કર્યો છે પરિણામે આ બેઠક ખાલી પડી છે. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ અપક્ષ ધારાસભ્ય તરીકે રાજીનામુ આપીને ભાજપમાં પ્રવેશ કર્યો છે.આમ, આ ચારેય બેઠકો પર પેટાચૂંટણી યોજાનાર છે. એમાં ય વળી જો બીજી યાદીમાં એકાદ ધારાસભ્યને લોકસભાની ચૂંટણી માટે ટિકિટ મળે તો વધુ એકાદ બે બેઠક પર પેટાચૂંટણી યોજાઇ શકે છે. તેનુ કારણએ છે કે, ભાજપ્ના ધારાસભ્ય જેઠા ભરવાડ, ઉપદંડક કૌશિક વેકરિયા, પૂર્વ મંત્રી-ધારાસભ્ય જીતુ ચૌધરી, પૂર્વ મંત્રી રમણ પાટકર, ધારાસભ્ય ગણપત વસાવાએ ટિકિટ માગી છે.
હવે આ ચારેય બેઠકો પર કોણ ઉમેદવાર હશે તે અંગે અટકળો જામી છે પણ મોટાભાગે પક્ષપલટુઓને ભાજપ પેટાચૂંટણીમાં મેદાને ઉતારી શકે છે. એવું જાણવા મળ્યું છે કે, લોકસભાની ચૂંટણી વખતે જ પોરબંદર,ખંભાત, વિજાપુર, વિસાવદર અને વાઘોડિયા બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ શકે છે. આ જોતાં આ પાચેય વિધાનસભા મત વિસ્તારમાં બે ઈવીએમ હશે. આ બેઠકો પર મતદારો લોકસભા ઉપરાંત વિધાનસભાના ઉમેદવાર એમ બે ઉમેદવારને મત આપશે. લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર થયાં બાદ આ બેઠકોના ઉમેદવારોની જાહેર કરાય તેવી સંભાવના છે.