ગાંધીનગરના ગિફ્ટ સિટી જમનાબાઈ સ્કૂલ સામેના રોડ ઉપર કારની ટક્કરથી એકસેસ સવાર ત્રણ મિત્રો રોડ ઉપર પટકાયા હતા.આ અકસ્માતમાં એક મિત્રનું ઘટનાસ્થળે મોત નિપજતા ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે ત્રણેય મિત્રો ગિફ્ટ સિટીની સહેલગાહે આવી ફોટોગ્રાફિ કરી પરત અમદાવાદ જઈ રહ્યા હતા. એજ વખતે કારના ચાલકે પૂરપાટ ઝડપે ટક્કર મારતાં એક યુવાનનું અકાળે મોત નીપજ્યું છે.
અમદાવાદના અસારવા એમએલએ કવાટર્સમાં રહેતો નિકુલકુમાર મહેશભાઈ પટ્ટણી ગઈકાલે તેના મિત્રો રાહુલ પટ્ટણી, રોહિત પટ્ટણી, સમીર પટ્ટણીને મળ્યો મળ્યો હતો. અને ચારેય જણાએ ગાંધીનગર ગિફ્ટ સિટી ફરવા આવવાનું નક્કી કર્યું હતું. બાદમાં બપોરના સુમારે ચારેય મિત્રો એકસેસ તેમજ એક્ટિવા લઈને ગાંધીનગર ગિફ્ટ સિટી આવ્યા હતા.
ગિફ્ટ સિટીનો અંદરનો નજારો જોઈને ચારેય મિત્રોએ એકબીજામાં ફોટા પાડયા હતા. અહીં સહેલગાહ કર્યા પછી ઢળતી સાંજે ચારેય મિત્રો પરત અમદાવાદ જવા માટે રવાના થયા હતા. એ વખતે રાહુલ એકસેસ ચલાવતો હતો. જેની પાછળ સમીર અને રોહિત બેઠા હતા. જયારે નિકુલ એક્ટિવા લઈને તેઓની પાછળ જઈ રહ્યો હતો.
ત્યારે જમનાબાઈ સ્કૂલ પાસેના ચાર રસ્તે કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારીને એકસેસને ટક્કર મારી હતી. જેથી ત્રણેય મિત્રો રોડ ઉપર પટકાયા હતા. અકસ્માતના બનાવ પગલે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. આ જોઈ નીકુલ પણ અકસ્માત સ્થળે પહોંચી ગયો હતો. અને જોયેલ તો રાહુલ ગંભીર ઈજાઓ થવાના કારણે મરણ હાલતમાં પડ્યો હતો. જ્યારે રોહિત – સમીર પણ ઈજાગ્રસ્ત હાલતમાં રોડની સાઈડમાં પડેલા હતા. બનાવના પગલે 108 એમ્બ્યુલન્સ મારફતે બંને મિત્રોને સિવિલ લઈ જવાયા હતા. આ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.