ગુજરાતના નર્મદા કિનારાના 320 કિ.મીના સમગ્ર પરિક્રમાપથને અંદાજીત રૂ.40 કરોડના ખર્ચે સંપૂર્ણ સુવિધાયુકત બનાવવા માટેનું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજન હાથ ધરાયું…

Spread the love

ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીનું આધ્યાત્મિક મહત્વ પણ એટલું જ અદભૂત છે. મા નર્મદાની પરિક્રમા એ માત્ર યાત્રા નથી પણ પાપોમાંથી મુકત થવાનો આધ્યાત્મિક માર્ગ છે અને એટલે જ ભારતમાં નર્મદા નદી માતા સ્વરૂપમાં ઓળખાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના નર્મદા કિનારાના 320 કિ.મીના સમગ્ર પરિક્રમાપથને અંદાજીત રૂ.40 કરોડના ખર્ચે સંપૂર્ણ સુવિધાયુકત બનાવવા માટેનું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

પ્રથમ તબક્કે વમળેશ્વર ખાતે યાત્રિકોની કાયમી સુવિધા વધારવામાં આવશે. જેમાં ડોરમેટરી, પાર્કિંગ, ગેસ્ટ હાઉસ, જુદા-જુદા પ્રવેશ દ્વાર, પાથ-વે, શૌચાલય વગેરે કામોનું કાયમી ધોરણે વિવિધ સુવિધાઓ ઉભી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં પરિક્રમા પથ પર સુવિધાઓ ઉભી થવાથી ધર્મપ્રેમી જનતા સુખરૂપ અને સુવિધાયુકત રીતે મા નર્મદાની પરિક્રમા સંપન્ન કરી શકશે તેમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલે જણાવ્યું હતું.

સચિવ રાવલે વિગતો આપતાં કહ્યું હતું કે, ગુજરાતમાં 320 કિ.મીના પરિક્રમાપથ ઉપર પરિક્રમાવાસીઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાનુસાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પીવાના શુદ્ધ પાણી, શૌચાલય તથા સી.સી.ટી.વી અને અગ્નિશામક સાધનો, હેલ્પ ડેસ્ક, સુરક્ષા વ્યવસ્થા, હાઉસકીપીંગ, ટેમ્પરરી રસોડાઓ સાથેની તમામ સુવિધાઓ સાથેના 1,000 બેડની ક્ષમતાવાળા હંગામી વિસામાની વ્યવસ્થા કરવામાં આવી છે.

વધુમાં આ અંગે સચિવ રાવલે જણાવ્યું છે કે, ભરૂચ જિલ્લાના વમલેશ્વર ખાતે રાત્રી રોકાણની પરંપરા છે અને આ પરંપરા અનુસાર વમલેશ્વર ખાતે રાત્રીરોકાણ કરતા યાત્રિકોને કોઈ અગવડતા પડે નહી અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે એ માટેની આવશ્યક વ્યવસ્થાઓ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાલમાં રૂ. 2.17 કરોડના ખર્ચે ઉભી કરવામાં આવી છે.

તદુપરાંત ભરૂચ જિલ્લાના મઢી આશ્રમ, રામકુંડ આશ્રમ તથા બલબલા કુંડ ખાતે યાત્રિકો માટેની રાત્રીરોકાણ માટેની કાયમી સુવિધાઓ રૂ. 4.06 કરોડના ખર્ચે ઉભી કરવામાં આવી રહી છે. જેનાથી પરિક્રમાવાસીઓમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *