કેન્દ્ર સરકારે ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પર નવી લગામ લગાવી છે. સરકારે દવાઓના માર્કેટિંગ માટે એક સમાન આચારસંહિતાની જાહેરાત કરતા કહ્યું હતું કે કોઇપણ ફાર્મા કંપની ન તો કોઇ ડૉક્ટરને ગિફ્ટ આપશે કે ન તો વર્કશોપ કે સેમિનારના નામે તબીબો અને તેમના પરિવારના લોકોને વિદેશ કે દેશના કોઇ અન્ય શહેરમાં જવા અને મોંઘી હોટલોમાં તેમના રોકાણનો ખર્ચ ઉઠાવશે.
જોકે, નવી ગાઇડલાઇનમાં આ છૂટ જરૂર અપાઇ છે કે જો કોઇ ડૉક્ટર કોઇ વર્કશોપ અથવા સેમિનારમાં વક્તા તરીકે આમંત્રિત હોય તો તેમને છૂટ રહેશે. ફાર્માસ્યુટિકલ્સ ડિપાર્ટમેન્ટે તમામ ફાર્માસ્યુટિકલ્સ એસોસિયેશનો સાથે યુનિફોર્મ કોડ ફોર ફાર્માસ્યુટિકલ્સ માર્કેટિંગ પ્રેક્ટિસિસ (યુસીપીએમપી) 2024ની નકલ શેર કરી છે જેથી તેમનું સખતાઇપૂર્વક પાલન કરી શકાય. તેની સાથે જ વિભાગે ફાર્માસ્યુટિકલ્સ એસોસિયેશનોને સમાન સંહિતાના કોઇપણ ભંગ સંબંધિત ફરિયાદોની તપાસ માટે એક આચારસંહિતા સમિતિની રચના કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. યુસીપીએમપી 2024 ગાઇડલાઇન્સમાં કોડના ભંગ સાથે સંબંધિત ફરિયાદોના ઉકેલ માટે પણ દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે. ગાઇડ લાઇન્સમાં કહેવાયું છે કે દવા કંપનીઓ દવાઓના માર્કેટિંગના નામે કોઇપણ તબીબને ન તો ગિફ્ટ આપશે કે ન તો તેમને નાણાંની લાલચ આપશે. આ નિર્દેશનો ભંગ કરતા પકડાવા પર દવા કંપનીઓ સામે ફાર્મા સંગઠનો આકરી કાર્યવાહી કરશે. આ ગાઇડલાઇન્સના પાલન માટે તમામ ફાર્મા કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) જ જવાબદાર રહેશે.
ફાર્મા કંપની કે તેના એજન્ટ વિતરક, જથ્થાબંધ વિતરક, દુકાનદારો કોઇ હેલ્થ પ્રોફેશનલ કે તેના પરિવારના સભ્યોને ગિફ્ટ નહીં આપે અથવા તેનો પ્રસ્તાવ નહીં આપે. તેવી જ રીતે ફાર્માસ્યુટિકલ્સ કંપની અથવા તેના એજન્ટ વિતરકો, જથ્થાબંધ વિતરકો, છૂટક વેપારીઓ દ્વારા દવાની સલાહ આપવા આથવા સપ્યા માટે કોઇપણ યોગ્ય વ્યક્તિને કોઇ આર્થિક લાભ તકે ફાયદાનો પ્રસ્તાવ, સપ્લાય કે તેના માટે વાયદો નહીં કરી શકે.