અમદાવાદમાં ડોક્ટર વૈશાલી જોશીના આપઘાતને એક અઠવાડિયા જેટલો સમય થયો છે. ત્યારે હવે આરોપી PI બી.કે. ખાચર સામે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અત્રે જણાવીએ કે, 2 દિવસ પહેલા પોલીસે મહીસાગરમાં પરિવારના નિવેદન નોંધ્યા હતા. મૃતક ડૉ.વૈશાલી જોષીના બહેન કિંજલ પંડ્યાએ ફરિયાદ દાખલ કરી છે. PI ખાચરના ત્રાસથી વૈશાલી જોષીએ આપઘાત કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ પણ કરાયો છે.ગાયકવાડ પોલીસે IPC 306 કલમ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વૈશાલીએ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં આપઘાત કર્યો ત્યારે ખાચર પોલીસના વાર્ષિક સંમેલનના એક કાર્યક્રમમાં હતો અને ત્યાં જ તેને ખબર પડી હતી કે વૈશાલીએ આપઘાત કરી લીધો હતો, તરત તે ત્યાંથી નીકળી ગયો હતો અને કોઈ અજ્ઞાત જગ્યાએ જતો રહ્યો હતો. હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી.22 લોકોએ પોલીસને આપેલા નિવેદનોમાં વૈશાલીના આપઘાતમાં પીઆઈ ખાચરને જવાબદાર ઠેરવ્યો છે.
અત્રે જણાવીએ કે, પોલીસને મહિલાના મૃતદેહ પાસેથી 15 પાનાની સુસાઈડ નોટ મળી છે. જેમાં જણાવ્યું હતું કે, હું જે અંતિમ પગલુ ભરવા જઈ રહી છું, તેની પાછળ PI ખાચર જવાબદાર છે . મારી અંતિમ વિધિ PI ખાચર કરે તેવો પણ સુસાઈડ નોટમાં ઉલ્લેખ હતો. મહિલા અને પોલીસ ઈન્સ્પેક્ટર ખાચર વચ્ચે 5 વર્ષથી પ્રેમ સંબંધ હતો.