દેશમાં હવે લોકસભા ચૂંટણીની જાહેરાતની ‘ઘડી’માં ગણાય છે તે સમયે સુપ્રીમ કોર્ટમાં ત્રણ મુદાઓ પર થનારી સુનાવણી પર સૌનુ ધ્યાન કેન્દ્રીત થશે. ગઈકાલે જે રીતે ચુંટણી પંચે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ચુંટણી બોન્ડની માહિતી તેની વેબસાઈટ પર અપલોડ કરી પણ ફરી આ વિવાદ સુપ્રીમમાં જશે.
સ્ટેટ બેન્ક એ બોન્ડ કોણે ખરીદ્યો અને કેટલી રકમના ખરીદાયા તે માહિતી ચુંટણીપંચને આપી છે અને તે જાહેર થઈ છે પણ દરેક બોન્ડ સાથે જે યુનિક નંબર, ખાસ કોડેડ નંબર જેના પરથી બોન્ડ કયા રાજકીય પક્ષના ખાતામાં કયારે જમા થયા તે જાહેર થયું નથી અને તેથી બેન્કે સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ તમામ માહિતી જારી કરી નથી તે મુદે હવે આ પીટીશન કરનાર ફરી સુપ્રીમમાં જશે.
બીજી તરફ એક સીલબંધ કવર અગાઉ સ્ટેટ બેન્કે ચુંટણીપંચને આપ્યુ છે. હવે આ કવરનું હવે શું કરવું તે પ્રશ્ર્ન સાથે પંચ પણ સુપ્રીમમાં જશે. બીજો કેસ સીએએનો હશે. કેન્દ્ર સરકારે તે દેશભરમાં અમલી બનાવ્યો તેને પડકારતી રીટ પર આજે સુપ્રીમકોર્ટ સુનાવણી કરશે અને તે મુદે પણ હવે સર્વોચ્ચ અદાલતના વલણ પર સૌની નજર છે.
ત્રીજુ મહત્વનું ગઈકાલે જે બે ચુંટણી કમિશ્ર્નરની નિયુક્તિ થઈ તેમાં મોદી સરકારે સુધારેલા કાનૂન મુજબ કરી છે અને તેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની બાદબાકી કરવામાં આવી છે તેને પડકારતી રીટ પર પણ આજે સુપ્રીમમાં સુનાવણી થશે.