1 ખજાનચી, 12 પ્રવક્તાશ્રીઓ, 77 ઉપપ્રમુખશ્રીઓ, 131 મહામંત્રીશ્રીઓ અને 102 મંત્રીશ્રીઓની નિમણુંક,અન્ય 20 પ્રમુખોને અમદાવાદ શહેર સમિતિમાં સંગઠનની કામગીરી.
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલની મંજૂરીથી અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ, પૂર્વ મેયર અને પૂર્વ ધારાસભ્યશ્રી હિંમતસિંહ પટેલ દ્વારા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ અને વોર્ડ પ્રમુખશ્રીઓના સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર મહાનગરપાલિકા છે અને મેગાસીટી તરીકેનું બિરૂદ ધરાવે છે. અમદાવાદ શહેર 18 વિધાનસભા અને 4 લોકસભા સાથે જોડાયેલો બ્રૃહદ વિસ્તાર છે ત્યારે ભૌગોલીક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વોર્ડમાં બે પ્રમુખ બનાવવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. કેટલાક વોર્ડમાં 100 થી વધુ બુથ આવતા હોય છે ત્યારે આ પરિસ્થિતિમાં સંગઠન વધુ મજબુત બને અને વોર્ડની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ યોગ્ય સંગઠન બને તે દિશામાં નિર્ણય લેવાયો છે. અમદાવાદ શહેરના 40 વોર્ડમાં વોર્ડ દિઠ બે પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે ત્યારે 8 વોર્ડમાં વોર્ડ દીઠ એક પ્રમુખની નિમણુંક કરવામાં આવી છે. 28 જુના વોર્ડ પ્રમુખોને પુન નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે અન્ય 20 પ્રમુખોને અમદાવાદ શહેર સમિતિમાં સંગઠનની કામગીરી સોંપાયેલ છે. આવનારા દિવસોમાં વોર્ડ પ્રમુખશ્રીઓ હેઠળ મંડળ અને સેક્ટરના બુથ પ્રમુખો બનાવવામાં આવશે. આવનારા દિવસોમાં અમદાવાદ શહેર કો-ઓર્ડીનેશન કમીટી અને વોર્ડ કો-ઓર્ડીનેશન કમીટીની રચના કરવામાં આવશે. શહેરની કો-ઓર્ડીનેશન કમીટીમાં સીનીયર આગેવાનો, પૂર્વ પ્રમુખશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને પ્રદેશના આગેવાનોનો સમાવેશ થશે. વોર્ડ કો-ઓર્ડીનેશન કમીટી જેમાં વોર્ડ પ્રમુખશ્રી, પૂર્વ વોર્ડ પ્રમુખશ્રીઓ, મ્યુનિ. કાઉન્સીલરશ્રી, પૂર્વ મ્યુનિ. કાઉન્સીલરશ્રીનો સમાવેશ કરવામાં આવશે.
અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ શહેર કોંગ્રેસમાં 323 હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 1 ખજાનચી, 12 પ્રવક્તાશ્રીઓ, 77 ઉપપ્રમુખશ્રીઓ, 131 મહામંત્રીશ્રીઓ અને 102 મંત્રીશ્રીઓની નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંકમાં સીનીયર આગેવાનો અને યુવા આગેવાનોનો સમન્વય કરાયો છે. તમામ નિમણુંક પામેલ કોંગ્રેસ પક્ષના આગેવાનોને શુભકામના.
પત્રકાર પરિષદમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, અમદાવાદ શહેરના પ્રભારી અને પ્રદેશ ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નેતાશ્રી શેહઝાદખાન પઠાણ, અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવારશ્રી ભરતભાઈ મકવાણા, પ્રદેશ અગ્રણી પંકજભાઈ શાહ, બળદેવભાઈ લુણી, રાજુભાઈ બ્રહ્મભટ્ટ, જગતભાઈ શુકલા સહિત અમદાવાદમાં આવતી વિધાનસભાના પ્રભારીશ્રીઓ અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રીઓ હાજર રહ્યાં હતાં.