અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની અધ્યક્ષતામાં અસામાન્ય અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે બેન્ક મેનેજરો સાથે ચૂંટણી સંદર્ભે બેઠક
અમદાવાદ
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ જિલ્લાની વિવિધ બેન્કોના મેનેજરો અને પ્રતિનિધિઓ સાથે એક ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં સુશ્રી પ્રવીણા ડી.કે.એ બેન્ક પ્રતિનિધિઓને ચૂંટણી સમયગાળા દરમિયાન થનારા પ્રત્યેક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શની જાણકારી બાબતે નિગરાની રાખી ચૂંટણી વિભાગને માહિતી આપવા અંગે જણાવ્યું હતું. કોઈ સામાન્ય નાગરિકો અને વેપારીઓને બિનજરૂરી કનડગત ન થાય તેની તકેદારી રાખવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી પ્રવીણા ડી.કે.એ છેલ્લા બે માસ દરમિયાન (સાયલેન્ટ એકાઉન્ટ) ટ્રાન્ઝેક્શન થયું ન હોય અને ચૂંટણી દરમિયાન ટ્રાન્ઝેક્શનની અસામાન્ય અને શંકાસ્પદ ઘટનાઓ અંગે ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા સૂચનાઓ આપી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં અને મતવિસ્તારમાં આવી તબદિલીના કોઈ પણ પૂર્વ દ્રષ્ટાંત વગર બેન્કના એક ખાતામાંથી અન્ય કેટલાંક વ્યક્તિઓના ખાતામાં આર. ટી. જી. એસ. દ્વારા અસામાન્ય રકમની તબદિલી થઈ હોય તેવી માહિતીનું લીડ બેન્ક થકી ચૂંટણી તંત્રને ધ્યાન દોરવાનું રહેશે, એવું જણાવાયું છે.નોમિનેશન ફાઈલ દાખલ કરનાર ઉમેદવાર, તેમના વિવાહિત સાથી અથવા તેના આશ્રિતના બેન્ક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષના ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સહિતની ઘટનાઓની માહિતી ચૂંટણી તંત્રને મોકલવાની રહેશે.
આ બેઠકમાં બેન્ક મેનેજરો, પ્રતિનિધિઓ કઈ રીતે આવા ટ્રાન્ઝેક્શનનું ધ્યાન દોરી શકે તે માટે પ્રેઝન્ટેશનના માધ્યમથી તાલીમ આપવામાં આવી હતી.આ પ્રસંગે વિવિધ બેન્કોના મેનેજરો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.