ગાંધીનગરના સેકટર – 7 પોલીસ મથકની હદ વિસ્તારમાં છેલ્લા ઘણા વખત તસ્કરો એક પછી એક ગુનાઓ આચરી રહ્યા છે. એસ.ટી ડેપોથી મોબાઇલ ચોરીની અસંખ્ય ફરીયાદો વચ્ચે સ્પોર્ટ્સ કોલેજ પાસે જુદા જુદા મશીનોની બેટરીઓ ચોરાઈ જતાં અનેક મશીનો ઠપ્પ થઈ ગયા હતા. આ સિવાય સેકટર – 3/ડી વિસ્તારમાં બાઈક ચોરીની સાથોસાથ સેકટર – 7 માંથી બુલેટની બેટરી તેમજ ત્રણ બાઈકમાંથી પેટ્રોલ પણ ચોરાઈ ગયાની ફરીયાદો સેકટર – 7 પોલીસ મથક સુધી પહોંચી છે.
ગાંધીનગરનાં સેકટર – 7 પોલીસ મથકની હદમાં મોકળું મેદાન મળી ગયું હોય એમ તસ્કરો એક પછી એક ચોરીના ગુના આચરી તરખાટ મચાવી રહ્યા છે. એસ.ટી ડેપોમાંથી મુસાફરોના રોજબરોજ મોબાઇલ ફોન ચોરાઈ જવાની ફરીયાદોનો સિલસિલો યથાવત છે. એવામાં તસ્કરોએ મેટ્રો રેલની કામગીરી માટે ઉપયોગમાં લેવાતા જુદા જુદા પાંચ મશીનોની 45 હજારની કિંમતની 9 બેટરી ચોરી ચોરીને ફરાર થઈ ગયાની ફરિયાદ દાખલ થઇ છે. આ ચોરીના કારણે મેટ્રો રેલની કામગીરીમાં સંકળાયેલા કેટલાક મશીનો ઠપ્પ થઈ ગયા હતા.
મેટ્રો રેલની કામગીરી દરમ્યાન સામાનની રખેવાળી કરતા સિક્યુરિટી ગાર્ડનું સુપરવિઝન દશરથભાઈ પટેલ કરે છે. ગત તા. 26 મી ફેબ્રુઆરીએ ખ રોડ ઉપર આવેલ સ્પોર્ટ્સ કોલેજની બાજુમાં મેટ્રો રેલનું કામ ચાલતું હોઈ દશરથભાઈ રાઉંડમાં નીકળ્યા હતા. એ વખતે મેટ્રો રેલનું કામકાજ બંધ હોવાથી મશીનોનાં ડ્રાઇવરોએ જણાવેલ કે, બેટરીઓ ચોરાઈ ગઈ હોવાથી મશીનો ચાલુ થતાં નથી. આથી વિગતવાર તપાસ કરતા પીલીંગ રીગ મશીન., 35 ટન કાવલેર કેન મેક-પી એન્ડ એચ મશીન, 23 ટન હાયડ્રા મેક ઇસ્કોર્ટ્સ મશીન તેમજ 15 ટન હાયડ્રા મેક ઇસ્કોર્ટ્સ મશીનોની કુલ. 9 બેટરીઓ તસ્કરો ચોરી ગયાનું માલુમ પડયું હતું.
એજ રીતે સેકટર – 3/ડીમાંથી બાઈક તેમજ સેકટર – 7/ બી વિસ્તારમાંથી પણ ગઈકાલે રાતના સમયે બુલેટની બેટરી ચોરી થવા ઉપરાંત ત્રણ બાઈકમાંથી પેટ્રોલ ચોરી થયાની પણ ફરીયાદો સેકટર – 7 પોલીસ મથકમાં કરી પેટ્રોલીંગ વધારવાની માંગણી વસાહતીઓ દ્વારા કરાઈ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી તસ્કરો સેકટર – 7 પોલીસ મથકની હદમાં મોકળું મેદાન મળી ગયું હોય એમ તસ્કરો બેફામ બનીને ઘરફોડ, વાહન – મોબાઈલ ચોરીના ગુના આચરી રહ્યા હોવાથી સઘન પોલીસ પેટ્રોલીંગના દાવાની પણ પોલ ખુલી જવા પામી છે.