ગાંધીનગરના રૂપાલ ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયતના સદસ્યની ગ્રાન્ટમાંથી લગાવવામાં આવેલા 24 હજારની કિંમતના છ સીસીટીવી કેમેરાની ચોરી પ્રકરણમાં લોકલ ક્રાઇમ બ્રાંચે ગામના યુવકને ઝડપી પાડી તમામ મુદ્દામાલ જપ્ત કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.
ગાંધીનગરનાં રૂપાલ વરદાયિની માતાજીના મંદિર સામે આવેલી પ્રાથમિક શાળામાં અલગ અલગ જગ્યાએ લગાવવાના આવેલ છ સીસીટીવી કેમેરાની ચારેક દિવસ અગાઉ ચોરી મામલે આચાર્ય દિલીપભાઈ પટેલની ફરીયાદના આધારે પેથાપુર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જે અન્વયે એલસીબી પીઆઈ ડી બી વાળાની ટીમે તપાસનો દોર શરૂ કર્યો હતો.
શાળામાં જિલ્લા પંચાયત સદસ્યની ગ્રાન્ટમાંથી લગાવવાના આવેલા નાઈટ વિઝન કેમેરાની ચોરી થતાં આસપાસના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે સીસીટીવી ફુટેજની ચકાસણી કરતા એક ઈસમ સીસીટીવીના કેબલ કાપીને ચોરી કરતો જોવા મળ્યો હતો. જે આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરતા મળેલી પૂર્વ બાતમીના પગલે ગામમાં રહેતા 22 વર્ષીય દિગ્વિજય દિનેશભાઈ ઠાકોરને રૂપાલ તરફ જતાં રેલવે ફાટકથી ઉઠાવી લેવામાં આવ્યો હતો.
જેની પાસેથી મળી આવેલા છ સીસીટીવી કેમેરા બાબતે પૂછતાંછ કરતાં તેણે કબુલાત કરેલી કે, ઈંદ્રોડા ગામના વાણિયા વાસમાં રહેતા વિશ્વેય પંકજજી ઠાકોર સાથે મળીને શાળામાં ચોરીને અંજામ આપ્યો હતો. બાદમાં પોલીસે દિગ્વિજયનો ગુનાહિત ઈતિહાસ ચકાસતા તેના વિરુદ્ધમાં પેથાપુર પોલીસ મથકમાં ચોરી, જુગાર અને ધાક ધમકી શાંતિ ભંગ એક્ટ હેઠળ ત્રણ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. જેની ઉક્ત ગુનામાં ધરપકડ કરી પોલીસે વોન્ટેડ આરોપી વિશ્વેય ઠાકોરને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.