ભાજપ સરકારે ઉદ્યોગપતિઓની લાખો કરોડોની લોન માફ કરી છે, પરંતુ ખેડૂતોની લોન માફ કરવા માટે સરકારની કોઈ નીતિ નથી: મનોજ સોરઠીયા
અમદાવાદ
આમ આદમી પાર્ટી વિસાવદરમાં ખૂબ મજબૂતીથી આગળ વધી રહી છે અને આમ આદમી પાર્ટીને લોકોનું સમર્થન પણ મોટા પ્રમાણમાં મળી રહ્યું છે. તારીખ 19 માર્ચના રોજ વિસાવદર વિધાનસભાના બરડીયા ગામ ખાતે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી તથા મહારાષ્ટ્રના પ્રદેશ સહ પ્રભારી ગોપાલભાઈ ઇટાલીયાની અધ્યક્ષતામાં કિસાન સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગોપાલભાઈ ઇટાલીયાની સાથે સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલ અને પ્રદેશ મંત્રી તથા પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકા ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તથા સ્થાનિક ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કિસાન સ્વાભમાન સભામાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે વિસાવદરમાં આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂત પરિસ્થિતિમાં છે. આજે આમ આદમી પાર્ટી વિસાવદર વિધાનસભા જીતી રહી છે, અને એ કારણે વિસાવદરની ચૂંટણીને લટકાવી રાખવામાં આવી છે. આના પરથી સ્પષ્ટ થઈ જાય છે કે આજે ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટી ફક્ત આમ આદમી પાર્ટી થી જ ડરે છે. જો ભાજપ આમ આદમી પાર્ટીથી ડરતી ન હોય તો તેઓ પણ વિસાવદરની ચૂંટણી માટે ચૂંટણી પંચમાં રજૂઆત કરે અને હાઇકોર્ટમાં ચાલનાર વિસાવદર વિધાનસભાનો કેસને પાછો ખેંચાવી લે. લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે વિસાવદરની જનતા ક્યારેય પણ ગદ્દાર લોકોનો સાથ આપતી નથી, માટે ભાજપને ચૂંટણીની હારથી બચાવવા માટે ભાજપે ચૂંટણી પંચ પર દબાણ નાખીને વિસાવદરની ચૂંટણી અટકાવી રાખી છે. લોકો આ પ્રકારની વાતો કરી રહ્યા છે તો ચૂંટણી પંચે પણ તાત્કાલિક ધોરણે વિસાવદરની ચૂંટણી મુદ્દે ખુલાસો કરવો જોઈએ. વિધાનસભાની ચૂંટણી થશે કે નહીં તે ખ્યાલ નથી પરંતુ લોકસભા ચૂંટણીમાં વોટ માંગવા માટે હાલ ભાજપના નેતાઓ આવશે અને મન ફાવે તેમ જુઠા વાયદા કરીને જતા રહેશે, પરંતુ આ વખતે વિસાવદરના લોકોએ મક્કમ રહીને જુઠ્ઠા વાયદા કરનારા લોકોને ઓળખવાના છે અને પરિવર્તન લાવનાર આમ આદમી પાર્ટીના ઉમેદવારને ચૂંટવાના છે.ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારે વાયદો કર્યો હતો કે 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ થઈ જશે પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે આવકની જગ્યાએ જાવક વધી ગઈ છે અને ખેડૂતો દિવસેને દિવસે પાયમાલ થતા જાય છે. બે વર્ષ પહેલા દિલ્હી બોર્ડર પર કિસાન આંદોલન શરૂ થયું હતું અને તેમાં 700થી વધુ કિસાનો શહીદ થયા હતા. ત્યારબાદ હાલ ફરીથી કિસાન આંદોલન શરૂ થયું છે અને ખેડૂતોને અટકાવવા માટે સરકાર ખૂબ જ દમનકારી નીતિઓ અપનાવી રહી છે. ભાજપ સરકારે ઉદ્યોગપતિઓની લાખો કરોડોની લોન માફ કરી છે, પરંતુ ખેડૂતોની લોન માફ કરવા માટે સરકારની કોઈ નીતિ નથી, આના. પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ સરકાર ખેડૂત વિરોધી માનસિકતા ધરાવનાર સરકાર છે, માટે આવનારી ચૂંટણીમાં ગુજરાતના અને દેશના ખેડૂતોએ ખેડૂત વિરોધી લોકોને એક મજબૂત જવાબ આપવાની જરૂરત છે.