ગાંધીનગરનાં રાંદેસણમાં સ્થિત SMVS સંચાલિત સ્વામિનારાયણ ધામ ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોએ વાલીઓને જાણ કર્યા વિના એકતરફી રીતે આગામી સત્રથી ગુજરાતી માધ્યમના 1 થી 8 ધોરણનો સમય બપોરનો કરવાનો નિર્ણય કરી લેવામાં આવ્યો છે. જે મામલે વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે. આજે મોટી સંખ્યામાં વાલીઓએ એકઠા થઈ સ્કૂલ સંચાલકોને આવેદન પત્ર આપી સ્કૂલનો સમય નિત્યક્રમ મુજબ યથાવત રાખવાની માંગણી કરવામાં આવી હતી.
ગાંધીનગરના રાંદેસણમાં આવેલ SMVS સંચાલિત સ્વામિનારાયણ ધામ ઈંટરનેશનલ સ્કૂલનાં સંચાલકો દ્વારા વાલીઓને જાણ કર્યા વિના એકતરફી રીતે ગુજરાતી માધ્યમનાં 1 થી 8 ધોરણનો સમય બપોરનો કરવાનો નિર્ણય જાહેર કરી દેવાયો છે. સ્કૂલ દ્વારા તઘલગી રીતે બાળકો વાલીઓની સ્થિતિનો વિચાર કર્યા વિના આગામી સત્રથી શાળાનો સમય બપોરનો કરી દેવાતા આજે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનાં વાલીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
અચાનક વાલીઓનું ટોળું એકઠું થઈ જતાં ઈન્ફોસિટી
પોલીસ પણ તાત્કાલિક સ્કૂલે પહોંચી ગઈ હતી. ત્યારે
એકઠા થયેલા વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, સ્કૂલ
દ્વારા વાલીઓ સાથે ચર્ચા કર્યા વિના જ તઘલગી નિર્ણય લઈ
લેવાયો છે. સ્કૂલની એપ્લિકેશન મારફતે મેસેજ મોકલીને
શાળા સંચાલકોએ સમય બપોરનો કરવાની જાહેરાત કરી
દેવાઈ છે. આ મામલે અત્યાર સુધીમાં વ્યક્તિગત રીતે
સ્કૂલને વાલીઓએ રજૂઆત કરી હતી, પરંતુ સ્કૂલ તરફથી
કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો ન હતો. મોંઘીદાટ
સ્કૂલ ફી ભરવા છતાં વાલીઓને વિશ્વાસમાં લીધા વિના જ
શાળાનો સમય બદલી નાખવામાં આવ્યો છે. આ મામલે
વાલીઓએ આવેદનપત્ર આપી સ્કૂલના નિર્ણયનો વિરોધ
કરવામાં આવ્યો હતો. સ્કૂલનો સમય સવારનો જ રાખવાની
માંગી કરાઈ હતી. આ અંગે વાલીઓએ સ્કૂલની સમસ્યાઓ
અંગે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વાલીઓનું કહેવું છે કે, સ્કૂલમાં વિશાળ મેદાન હોવા છતાં વાલીઓ માટે દરવાજા બંધ કરી દેવાયા છે. જેનાં કારણે સ્કૂલ છૂટતાં સમયે અહીં ટ્રાફિક જામ સર્જાતો હોય છે. જો સ્કૂલ છૂટવાના સમયે વિશાળ મેદાનમાં વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા કરવામાં આવે તો આ સમસ્યા પણ નિવારી શકાય એમ છે. જ્યારે એક વાલીએ કહ્યું હતું કે,અત્યાર સુધી સ્કૂલનો સમય સવારનો હોવાથી બાળકો હવે સેટ થઈ ગયા છે. હવે અચાનક બપોરનો સમય કરી દેવામાં આવતાં બાળકો સાથે વાલીઓને પણ પરેશાની વેઠવાનો વખત આવ્યો છે. બપોરથી સાંજની સ્કૂલનો સમય કરવાથી સ્વાભાવિક રીતે બાળકો ઘરેથી બપોરનું ભોજન કરીને સ્કૂલે જવાના છે.જેથી સ્કૂલની કેન્ટીનનો ખર્ચ પણ માથે પડે એમ
છે.
સંચાલકોએ બાળકોને કેન્ટીનની સાથોસાથ લંચ બોક્સ લઈને સ્કૂલે જવાનો પણ ઓપ્શન આપવો જોઈએ. કેમકે દરેક બાળકને સ્કૂલ કેન્ટીનનું ભોજન ભાવે એ જરૂરી નથી. તેમજ ઘણા વાલીઓને કેન્ટીનનો ખર્ચ પણ પોષાય તેમ નથી. આ અંગે સ્કૂલના આચાર્યે નિર્મલ પટેલે જણાવ્યું હતું કે, વાલીઓની રજૂઆત મળી છે. જે અંગેનું સ્કૂલ ટ્રસ્ટી મંડળને આવેદન પત્ર મોકલી આપવામાં આવ્યું છે. ટ્રસ્ટી મંડળ સ્કૂલના સમય બાબતે આખરી નિર્ણય લેશે.