ભરૂચ લોકસભા બેઠક પર માત્ર એક રૂપિયાના ચાર્જએ 51 દિવસ પરવાનેદારોના શસ્ત્રો સાચવવામાં આવશે.
કોણ કહે છે કે એક રૂપિયા કે 50 પૈસાની કોઈ કિંમત નથી. સામાન્ય રીતે જ્યારે આર્થિક વ્યવહાર થતા હોય ત્યારે 50 પૈસા તો જવા દો મોટાભાગના લોકો એક રૂપિયો પાછો લેવામાં કે આપવામાં પણ માનતા નથી , ત્યારે શું તમે જાણો છો કે આચારસંહિતા દરમિયાન તંત્ર દ્વારા જમા લેવાતાં લાયસન્સવાળા હથિયારની 51 દિવસ સુધી જાળવણી કરવા લાયસન્સધારક પાસેથી ફી પેટે માત્ર 1 રૂપિયો વસૂલાય છે.
હા , આ વાત સાચી છે. શસ્ત્ર સાચવવા માટે પરવાનેદારે માત્ર એક રૂપિયો ચૂકવવાનો હોય છે. જો બીજું એક વધારાનું શસ્ત્ર હોય તો બીજા શસ્ત્રદીઠ પચાસ પૈસા એક્સ્ટ્રા આપવાના થતા હોય છે.
લોકસભાની ચૂંટણી 16 માર્ચના રોજ જાહેર થઈ ત્યારથી ગુજરાતમાં પણ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે . મુકત , ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકોની સલામતી રહે , કોઈપણ પ્રકારનો અનિચ્છનિય બનાવ ન બને તે હેતુસર જિલ્લામાં જે લોકો પાસે હથિયાર હોય તેમના હથિયાર કબજે લેવામાં આવતા હોય છે.
મતગણતરી પૂર્ણ થશે ત્યાં સુધીના 51 દિવસ માટે ભરૂચ જિલ્લામાંથી 1800 થી વધુ અને નર્મદા જિલ્લામાંથી 437 પરવાનેદારના હથિયાર કબજે લેવામાં આવશે. ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભાના 28 થી વધુ પોલીસ સ્ટેશનમાં પાક સંરક્ષણ અને અન્ય પરવાનેદારના કુલ 2400 જેટલા હથિયારની સાચવણી પેટે વસુલાતી એક રૂપિયો ફી મોટાભાગના કિસ્સામાં વસુલાતી પણ નથી.
ચૂંટણી ટાણે શસ્ત્રો જમા કરાવવા સામે સિક્યોરિટી, બેંકો, સંસ્થાઓ કે સ્પોર્ટ્સ સાથે જોડાયેલા લોકોને જિલ્લા કલેકટર અને પોલીસ વડાની સ્ક્રીનિંગ કમિટી દ્વારા મંજૂરી આપતા બાકાત રખાઈ છે.