ગુજરાતમાં દારૂ પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ પછી ગિફ્ટ સિટીમાં પીવાની છૂટ આપ્યા પછી ચૂંટણી સમયે ચૂંટણી પંચે મતદાનના દિવસે અને મતગણતરીના દિવસે સંપૂર્ણ દારૂબંધી મુકવાની જાહેરાત કરી છે. ચૂંટણી પંચના ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ કહ્યું હતુ કે, 7 મેના રોજ મતદાન પુરુ થવાના સમય પહેલાના 48 કલાક અને મતગણતરીના દિવસને ‘ડ્રાય ડે’ જાહેર કરવામાં આવ્યો છે એટલે કે પરમિટ ધરાવતી શોપ પણ દારૂ વેચી શકશે નહીં, એટલું જ નહીં, ગિફ્ટ સિટીમાં પણ દારૂ વેચી કે પી શકાશે નહીં તેવી સ્પષ્ટતા ચૂંટણી પંચે કરી હતી.
આ બાબતે વિસ્તૃત વિગત આપતા અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યએ કહ્યું હતું કે, જેમની પાસે પરમિટ છે તેમને પણ પીવા અને વેચવા પર પ્રતિબંધ છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના વિવાદના નિવેદનને મામલે ફરિયાદ થતા રાજકોટના જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસ સોંપાઈ છે. અત્યાર સુધીમાં સરકારી મિલકતો પરથી 1.60 લાખ તથા ખાનગી મિલકતો પરથી 58,697 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર-બેનરો તથા પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરાઇ છે. આચારસંહિતા ભંગની 4 હજારથી વધુ ફરિયાદ તેમજ રોકડ,દારૂ,સોનું-ચાંદી અને ચરસ સહિતની રૂ.42.61 કરોડની વસ્તુઓની અટકાયત કરાઇ છે.
આઇપીએસની બદલીઓ ખોરંભે પડી છે. રાજ્ય સરકાર બદલી ન કરી શકી અને હવે ચૂંટણી પંચ બદલી કરી શકયું નથી. આવા સંજોગોમાં ચૂંટણી પંચે આઇપીએસની બદલી ટૂંક સમયમાં થશે તેવો જવાબ આપીને સમગ્ર બાબત પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો. કુલદીપ આર્યએ એવી સ્પષ્ટતા કરી હતી કે, આઇપીએસના નામની યાદી દિલ્હી ચૂંટણી પંચને મોકલી દેવામાં આવી છે, હવે પંચ નક્કી કરશે.