જામનગર મહાનગર પાલિકાના સીટી ઇજનેરને પૂર્વ કોંગી કોર્પોરેટરે ઇમ્પેક્ટની ફાઈલ ક્લિયર કરાવવાના પ્રશ્ને ધાકધમકી આપી. જો સારી રીતે નોકરી કરવી હોય તો ખંડણી પેટે દર મહિને એક લાખ રૂપિયા આપવા પડશે, નહીંતર વકીલ હારુન પલેજાનું ખૂન થયું તે રીતે ખૂન કરાવી નાખવાની ધમકી આપી હતી. એસ્ટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર મહાનગરપાલિકાના સીટી ઇજનેર ભાવેશ જાની કે જેઓની કચેરીમાં પૂર્વ કોંગી કોર્પોરેટર તેજશી ઉર્ફે દીપુ પારીયા, કે હાલમાં તેના પત્ની સમજુબેન વોર્ડ નંબર એકમાં કોંગ્રેસના કોર્પોરેટર છે, તેના કામોના બહાને મહાનગર પાલિકાની કચેરીમાં અવર-જવર કર્યા પછી ફાઈલ ક્લિયર કરવા બાબતે સિટી ઈજનેર ને ધમકી આપી હતી. નગરસેવિકાના પતિ અને પૂર્વ નગરસેવક દીપુભાઈ ગેરકાયદે બાંધકામને ઇમ્પેક્ટમાં કાયદેસર કરાવવાની ફાઈલ લઈ છેલ્લા બે ત્રણ મહિનાથી વારંવાર દબાણ કરવા આવતા અને ખૂબ આક્રોશમાં ભૂંડી ગાળો બોલી ખંડણી આપવા સહિતની ધમકીઓ આપી હતી.
મનપાના અધિકારી ભાવેશ જાનીએ પોતાને મહાનગરપાલિકામાં સારી રીતે નોકરી કરવી હોય તો દર મહિને એક લાખ રૂપિયા ખંડણી પેટે આપવા પડશે, તેવી માંગણી કરી હતી. અને જો ફાઈલ ક્લીયર નહીં કરી આપે, તેમ જ પૈસા નહીં આપે, તો જે રીતે વકીલ હારુન પલેજાનુ ખૂન થયું છે, તે રીતે ખૂન કરાવી નાખવાની ધમકી ઉચારી હતી. તેમજ પોતે દલિત જ્ઞાતિના હોવાથી એસ્ટ્રોસીટના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી ઉચ્ચારી હતી અને અધિકારીની કચેરીમાં તેનો કાંઠલો પકડી લઈ અશોભનીય વર્તન કર્યું હતું.
આખરે આ મામલો સીટી એ. ડિવિઝન પોલીસમાં મથકમાં લઈ જવાયો હતો અને પૂર્વ કોર્પોરેટર તેજશી ઉર્ફે દીપુભાઈ વાલજીભાઈ પારીયા સામે ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ. ટી.ડી. બુડાસણાએ આઇપીસી કલમ ૩૮૭,૩૩૨,૫૦૪ અને ૫૦૬-૨ મુજબ ગુનો નોંધ્યો છે. અને વધુ તપાસ હાથ ધરી છે. આ ફરિયાદને લઈને જામનગર મહાનગરપાલિકાના વર્તુળમાં ભારે ચકચાર જાગી છે.
જ્યારે શહેર કોંગ્રેસ દીગુભા જાડેજાએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમારા પક્ષના સભ્ય કોંગ્રેસ નગરસેવિકાના પતિ દ્વારા જો કોઈ ખોટું કરવામાં આવ્યું હશે તો કાર્યવાહી કરાશે. પરંતુ સત્ય સામે આવ્યા બાદ જ પક્ષ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી કરાશે.