ભાવનગરની જનતાને અપીલ કરીશ કે ઉમેશભાઈ મકવાણાને જંગી બહુમતીથી વિજય બનાવો: ઇસુદાન ગઢવી
મનમોહન સિંહની સરકાર વખતે ભાજપના લોકોને ₹400નો ગેસ સિલિન્ડર મોંઘો લાગતો હતો અને આજે તેઓએ ગેસ સિલિન્ડરનો ભાવ 1100 રૂપિયા કરી નાખ્યો: ઇસુદાન ગઢવી
ભાવનગર
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના ઇન્ડિયા ગઠબંધન હેઠળ ભાવનગર લોકસભા સીટ પરથી ઉમેશભાઈ મકવાણા ચૂંટણીના મેદાને ઉતર્યા છે. આજ રોજના ભાવનગર ખાતે લોકસભા બેઠકનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા સહિત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં પ્રદેશના હોદ્દેદારો તથા સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનને તથા ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાને અભૂતપૂર્વ સમર્થન આપવામાં આવ્યું છે. આ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ઉમેશભાઈ મકવાણાએ પોતાના પ્રચાર અભિયાનને આગળ ધપાવ્યું હતું.
કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપના લોકો કહેતા હતા કે તેઓ દેશમાં 400 સીટો અને ગુજરાતમાં 26માંથી 26 સીટો જીતશે પરંતુ આ તમામ દાવાઓની છેલ્લા 15 દિવસમાં હવા નીકળી ગઈ. હું આજે ખાસ કરીને ભાવનગરની જનતાને કહેવા માંગીશ કે ખેડૂતોને જે ડુંગળીના ભાવ નથી મળ્યા, તેના માટે એક માત્ર જવાબદાર વ્યક્તિ કોઈ છે, તો તે નરેન્દ્ર મોદી છે. કારણ કે નરેન્દ્ર મોદીએ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકાવ્યો છે. 2014માં એવો વાયદો કરવામાં આવ્યો હતો કે ખેડૂતોને એમ એસ પી પ્રમાણે ભાવ મળશે. 2019ની ચૂંટણીમાં પણ આવો જ વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ આજ સુધી ખેડૂતોને એમએસપી પ્રમાણે ભાવ મળ્યો નથી.
ભાજપે મહારાષ્ટ્રમાં સરકાર તોડવાનું કામ કર્યું, ત્યારબાદ બિહારમાં પણ ગઠબંધન તોડાવીને નવી સરકાર બનાવવાનું કામ કર્યું, ત્યારબાદ તેઓએ ઝારખંડમાં સરકાર પાડવાની કોશિશ કરી અને ઝારખંડના મુખ્યમંત્રીને પણ જેલમાં નાખ્યા ત્યારબાદ તેઓએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને પણ જેલમાં નાખ્યા. પરંતુ ગઈકાલે આપ સૌએ જોયું કે સુપ્રીમ કોર્ટે સંજય સિંહજીને જમાનત આપતી વખતે કહ્યું કે તેમના વિરુદ્ધ કોઈપણ પ્રકારના પુરાવા નથી. પીએમએલએ અંતર્ગત આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું. અમે કોશિશ કરી રહ્યા છીએ કે અરવિંદ કેજરીવાલજીના ધર્મ પત્ની સુનિતા કેજરીવાલજી અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના ધર્મ પત્ની કલ્પના સોરેનજી ગુજરાત પ્રવાસે આવે તેના માટે પણ અમારી ચર્ચા ચાલી રહી. સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ સાથે મળીને ગુજરાતની 26માંથી 26 બેઠકો જીતવા માટે મહેનતમાં લાગી ગયા છે. અમને પૂરો વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનને ખૂબ જ સારા પરિણામો મળશે.
ભાજપ હાલ કહી રહ્યું છે કે 400 પાર, પરંતુ આ સીટોની વાત નથી, ભાજપના લોકો પેટ્રોલ-ડીઝલના ભાવની વાત કરી રહ્યા છે. મનમોહન સિંહની સરકાર વખતે ભાજપના લોકોને ₹400નો ગેસ સિલિન્ડર મોંઘો લાગતો હતો અને આજે તેઓએ ગેસ સિલિન્ડરનો ભાવ 1100 રૂપિયા કરી નાખ્યો છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો 2029 માં ગેસ સિલિન્ડરનો ભાવ 2100 રૂપિયા હશે. હું ભાવનગરની જનતાને અપીલ કરીશ કે સારા નેતાઓને ચૂંટવા માટે સારા લોકોએ વોટ આપવા માટે બહાર આવવું પડશે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાને વોટ આપવો પડશે. સમીકરણો અને દેશના માહોલને જોતા લાગી રહ્યું છે કે 2004 અને 2009 કરતા પણ વધુ સારું પરિણામ આ ચૂંટણીમાં આવવા જઈ રહ્યું છે. જો હાલ તમે લોકો ઘરે બેસી ગયા અને આ ચૂંટણી ભાજપ જીતી ગયું તો 2029 માં ચૂંટણી જ નહીં આવે. માટે હું ફરી એકવાર ભાવનગરની જનતાને અપીલ કરીશ કે ઉમેશભાઈ મકવાણાને જંગી બહુમતીથી વિજય બનાવો. ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે કેન્દ્રની ભાજપની સરકાર ખૂબ જ અહંકારમાં છે, તેઓને દેશના લોકોની જરા પણ ચિંતા નથી. તેઓ ફક્ત 32% વોટના સહારે રાજ કરી રહ્યા છે કારણકે બાકીના વોટ વહેંચાઈ જાય છે. માટે જો 67 ટકા વોટોનું સંકલન થાય તો 32%વાળા રાજ ન કરી શકે, તે માટે ઇન્ડિયા ગઠબંધનની રચના કરવામાં આવી છે. ભાવનગરના લોકોએ વિચારવું જોઈએ કે શા માટે ભાવનગરની અવદશા થઈ છે? આજે ભાવનગરમાં એરપોર્ટ હોય પરંતુ દિલ્હીની કોઈ ફ્લાઈટ ન મળતી હોય, બંદર હોય પણ કોઈ સ્ટીમર ન આવી શકતું હોય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. પરંતુ આ તમામ પરિસ્થિતિઓ બદલવા માટે ભાવનગરના લોકોએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાની જંગી બહુમતીથી વિજય બનાવવા પડશે. મને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને ઉમેશભાઈ મકવાણાને જંગી બહુમતીથી વિજય બનાવશે.