બુધવારે (3 એપ્રિલ)ના રોજ તાઇવાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકા જાપાન અને ફિલિપાઈન્સમાં પણ અનુભવાયા હતા. તાઈવાનના ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, ચાર લાકોના મોત થયા છે. 50 લોકો ઘાયલ થયા છે.
તાઈવાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, પૂર્વ તાઈવાનના હુલિએન શહેરમાં ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર ધરતીથી 34 કિલોમીટર નીચે હતું. ભારતીય સમય અનુસાર સવારે 5:30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી, લેન્ડ સ્લાઈડ પણ થયું હતું. ઘણા આફ્ટરશોક્સ પણ આવ્યા છે. તેમાંથી સૌથી તેજ 6.5ની તીવ્રતાનો આફ્ટરશોક હતો.
તાઈવાનના સેન્ટ્રલ વેધર બ્યુરોના જણાવ્યા અનુસાર, 25 વર્ષમાં તાઈવાનમાં આવેલો આ સૌથી ખતરનાક ભૂકંપ છે. આ પહેલાં 1999માં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે 2 હજારથી વધુ લોકોનાં મોત થયાં હતાં.