ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આસપાસના રાજ્યોમાંથી યેનકેન પ્રકારે રાજ્યમાં દારૂ ઠલવાતો હોય છે. બુટલેગરો અવનવા કીમિયા અજમાવીને પણ ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે. એવામાં પોલીસ પકડથી દૂર રહેલા લિસ્ટેડ બુટલેગરોને પકડવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રોકડ ઈનામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા અને રાજસ્થાના 10 જેટલા બુટલેગરો પર 20 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.
ગત 16 માર્ચના રોજ આગામી લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આચાર સંહિતા અમલી થઈ ગઈ છે. એવામાં રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાંથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં સપ્લાય કરનારા બુટલેગરો પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરે છે. આવા આરોપીઓને ઝડપી પાડવા માટે તેમજ તેમના વિશે પોલીસને સચોટ માહિતી આપનારને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઈનામની જાહેરાત કરવામાં આવી છે.
જે 10 બુટલેગરો પર ઈનામની જાહેરાત કરવામાં આવી છે, તેમના પર ગુજરાતના પાલનપુર, ડીસા, થરાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભાવનગર અને પંચમહાલ સહિત અનેક જિલ્લાઓમાં ગુના નોંધાયેલા છે. આ આરોપીઓ પોલીસ પકડથી બચવા માટે છેલ્લા ઘણા સમયથી નાસતા ફરે છે. આથી તેઓને પકડવા માટે ઈનામની જાહેરાત કરાઈ છે.
આરોપીનું નામ | સરનામું | જાહેર થયેલ ઈનામ |
બેંગારરામ ઉર્ફે છોટુ ખીલેરી બળવતારામ બીકોઈ | ભીનમાલ, જાલોર, રાજસ્થાન | 20,000 |
અનિલ ઉર્ફે પાડા જગદીશપ્રસાદ જાટ | રૂપનગર, ફતેપુર સીકર, રાજસ્થાન | 1,00,000 |
તૌફીક નજીરખાન મુસલમાન | જારીયા દુધવા, ચુરુ, રાજસ્થાન | 25000 |
ભરત ઉદાજી ડાંગી | ઉદેપુર.રાજસ્થાન | 25000 |
સુનિલ ઉર્ફે ભવરલાલ મોતીલાલ દરજી | ઉદેપુર, રાજસ્થાન | 50000 |
આશિષ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલ | આબુરોડ, શિરોહી, રાજસ્થાન | 25000 |
પીરારામ મેવારામ દેવાસી(રબારી) | પોસલા, રાજસ્થાન | 100000 |
વાસુસિંહ ઉર્ફે ગુલાબસિંહ રામસિંહ વાઘેલા | રામનગર, તા.દાંતીવાડા, જિ.બનાસકાંઠા | 25000 |
કાંતીલાલ ઉર્ફે રોહિત રતીલાલ મારવાડી | ભીનમાલ, જાલોર, રાજસ્થાન | 20000 |