ઘણા વિદ્યાર્થીઓનું સપનું હોય છે કે તેઓ વિદેશમાં અભ્યાસ કરવા જાય, ત્યાં જઈને વિવિધ સંસ્કૃતિઓને સમજે, અનુભવો મેળવે. એમ તો વિદેશ જવા માટેની પ્રક્રિયા ઘણી લાંબી અને જટિલ હોય છે. ઘણા માટે વિદેશ પહોંચી ગયા પછીનો અનુભવ રોમાંચક હોઈ શકે છે, પરંતુ ક્યારેક એવું પણ બની જાય છે કે કોઈ વિદ્યાર્થી સ્કેમનો શિકાર બની જાય છે.
સ્કેમર્સ વારંવાર એવા વિદ્યાર્થીઓને નિશાન બનાવે છે જેઓ વિદેશમાં શૈક્ષણિક તકો શોધવા માટે ઉત્સુક હોય છે, અને તેમની નબળાઈનો ઉપયોગ કરીને તેમને શિકાર બનાવે છે.
ખોટા એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ, વિઝા ફ્રોડ, હાઉસિંગ સ્કીમ્સ જેવા ઘણા સ્કેમથી વિદ્યાર્થીઓને આર્થિક રીતે નુકસાન થાય છે, ઘણીવાર કાનૂની સમસ્યાઓનો સામનો કરવો પડે છે અથવા ઘણીવાર તેમની વ્યક્તિગત સુરક્ષા પણ જોખમમાં મૂકાઈ જાય છે. એટલા માટે જ વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે કોઈપણ સંભવિત કૌભાંડો વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે.
એક અહેવાલ મુજબ, જાન્યુઆરી 2023 સુધીમાં અંદાજે 1.5 મિલિયન ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં શિક્ષણ મેળવી રહ્યા હતા. ત્યારે આવા સ્કેમથી બચવા માટે ઘણી બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. કૌભાંડનો ભોગ બનવાથી ગંભીર પરિણામો આવી શકે છે. એટલા માટે અહીં કેટલીક ટિપ્સ છે જેને વિદેશ અભ્યાસ કરવા જતાં સમયે ધ્યાનમાં રાખવી જરૂરી છે
વિદેશમાં અભ્યાસ કરવા જતા પહેલા સંપૂર્ણ રિસર્ચ કરો. જે કોર્સમાં અભ્યાસ કરવા માટે જવું હોય એની વેબસાઇટ જુઓ, સાથે જ ત્યાંના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસેથી પણ જાણકારી મેળવો. કોર્સની માન્યતા ચકાસો અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે જોડાયેલી છે કે એમ એની પણ જાણકારી મેળવો. જો કોઈપણ શંકાઓ હોય તો પ્રોગ્રામ કોઓર્ડિનેટરનો સંપર્ક કરો.
વિઝા ફ્રોડથી બચવા માટે ખાતરી કરો કે તમે જે દેશમાં અભ્યાસ કરવાનો પ્લાન કરી રહ્યા છો તેની અધિકૃત વિઝા પ્રોસેસની તમને સમજણ હોય. ફી લઈને ઝડપી વિઝા સેવાઓ ઓફર કરતી અનધિકૃત વ્યક્તિઓ અથવા એજન્સીઓથી દૂર રહો. હંમેશા અધિકૃત ચેનલો મારફતે જાઓ.
વિદેશમાં અભ્યાસ માટે જતા પહેલા ત્યાં રહેવાની વ્યવસ્થા કરતી વખતે, સલામતી અને કાયદેસરતાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થિત જગ્યા શોધો અને તેના રિવ્યૂઝ, લોકેશન અને સુવિધાઓની સંપૂર્ણ માહિતી મેળવો. જ્યાં સુધી આ બાબતોની ખાતરી ન થયા ત્યાં સુધી પેમેન્ટ કે સહી કરવાનું ટાળો.
વિદેશમાં અભ્યાસ કરવા અંગેના કૌભાંડો વિશે પોતાને માહિતગાર રાખો. તમારી સંસ્થા પાસેથી અને સ્ટડી અબ્રોડ એડવાઈઝર પાસેથી માર્ગદર્શન મેળવો. વિશ્વસનીય સ્ત્રોતો તરફથી મુસાફરી માટેની સલાહ અને સલામતી ટીપ્સ જાણી લો. જો જાણકારી હશે તો તમે સ્કેમ્સથી બચી શકશો.
પોતાની જાત પર વિશ્વાસ કરો અને જો તમને કંઈક ખોટું લાગે છે તો ફરીથી આખી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો. શિક્ષકો, માતા-પિતા અથવા વિશ્વસનીય વ્યક્તિઓ પાસેથી સલાહ લેવામાં અચકાશો નહીં. વિદેશમાં અભ્યાસ કરતી વખતે કુટુંબ, મિત્રો અને ત્યાંના સાથીદારો સાથે નિયમિત વાત કરીને તેમને તમારી એક્ટીવીટીની માહિતી આપતા રહો.