રાંદેસણમાં આવેલી લેન્ડમાર્ક લીવિંગના બિલ્ડર ભાઇઓએ પડોશીને ભાગીદાર બનાવ્યા હતા. પડોશમાં રહેતા હોવાની વિશ્વાસ આવતા સાઇટમાં 40 ટકાના ભાગીદાર બન્યા હતા. જ્યારે બે ભાઇઓ 60 ટકાના ભાગીદાર રહ્યા હતા. પરંતુ 60 ટકા શેરના ભાગીદારીનો લાભ લઇ બે બિલ્ડર ભાઇઓ પડોશીને હિસાબ આપતા ન હતા. તે ઉપરાંત ખોટી ખોટી કંપની બનાવી રૂપિયા જમા કરી બે ભાઇઓ લઇ લેતા હતા. જયારે તેમના ભાગમાં આવેલા ફ્લેટ અને દુકાન પણ કરાર મુજબ આપતા ન હતા અને તેમાંથી ફ્લેટનુ વેચાણ કરી દીધુ હતુ. જેથી બે બિલ્ડર ભાઇ અને એકાઉન્ટન્ટ સામે ઇન્ફોસિટી પોલીસમાં છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો.
બાબુભાઇ જીવરાજભાઇ સાંગાણી (રહે, સત્યમ ક્રિસ્ટલ, બોડકદેવ, અમદાવાદ) વર્ષ 2013માં તેમની સોસાયટીમાં રહેતા પડોશી હરેનભાઇ સુરેશભાઇ પટેલ અને કાર્તિક સુરેશભાઇ પટેલ (બંન્ને રહે,સ્વાતિ પાર્ક,સરખેજ, ઓકાફ, અમદાવાદ) સતત મળતા રહેતા હતા. જેથી બંને વચ્ચે પરિચય થયો હતો. એક જ સોસાયટીમાં રહેતા હોવાથી વાતચીત થતા સબંધ મજબુત થયો હતો. તે સમયે બંને ભાઇઓએ રાંદેસણ ગામની સીમમાં ફ્લેટ અને દુકાનની સ્કીમ મુકવાની વાત કરી હતી અને તેમાં તેમને ભાગીદાર બનવા જણાવ્યુ હતુ.
સ્કીમમાં વધારો નફો બતાવતા બાબુભાઇ 40 ટકા શેરના ભાગીદાર બન્યા હતા, જ્યારે બે ભાઇઓ 60 ટકા શેરના ભાગીદાર હતા. લેન્ડમાર્ક લીવીંગ સ્કીમમાં 71 ફ્લેટ અને 28 દુકાન બનાવવાની હતી. કંપનીમાં એકાઉટન્ટ તરીકે અમદાવાદ પાલડીમાં રહેતો પ્રદીપ અમૃતલાલ વ્યાસ નોકરી કરતો હતો. સ્કીમ ચાલે થયા પછી લોખંડ, સિમેન્ટ, ઇટો સહિતના ખોટા બીલ બનાવવામાં આવતા હતા અને ખોટી ખોટી કંપનીઓમાં એકાઉન્ટન્ટની મદદથી રૂપિયા ચાઉ કરી લેતા હતા. 60 ટકાના શેર હોલ્ડર હોવાનો ગેરલાભ લઇ હિસાબ બતાવવામાં આવતા ન હતા. જેથી કોર્ટમાં ફરિયાદ કરતા સમાધાન ઉપર આવ્યા હતા અને એક કરાર કર્યો હતો. જેમાં 8 ફ્લેટ અને 9 દુકાન આપવાની વાત કરી હતી. જ્યારે કરારમાં સહિ લેવા જતા બંને ભાઇઓએ સહિ કરી ન હતી અને મૌખિક કહ્યુ હતુ કે, તમે કહો તેના નામના નોટીરી બાનાખત કરી આપુ.
બાનાખત સમયે પણ 1.26 કરોડ રૂપિયા અપાયા હતા. સમજૂતી કરારમાં નક્કી કરેલો ફ્લેટ એકાઉન્ટન્ટને વેચાણ આપી દસ્તાવેજ કરી આપ્યો હતો. તે ઉપરાંત અન્ય એક ફ્લેટ ઉપર રૂપિયા લીધા બાદ અન્યને દસ્તાવેજ કરી આપ્યો હતો.