લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે.ત્યારે આગામી દિવસોમાં જિલ્લાના વિવિધ સ્થળે સભા, સરઘસો અને રેલીઓનું આયોજન કરીને ઉમેદવારો મતદાતાઓને રીઝવવાના પ્રયાસો કરશે. આ દરમ્યાન રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા પાણીને જેમ પૈસો વહાવીને ચૂંટણી પ્રચાર કરવામાં આવતો હોય છે. ચૂંટણી પંચ દ્વારા આ વખતે ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા 95 લાખ રૂપિયા નિયત કરી છે.
ઉમેદવાર દ્વારા થતાં ખર્ચની સમીક્ષા માટે ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાતી વિવિધ ચીજવસ્તુઓના ભાવ જિલ્લા તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. ચૂંટણી તંત્ર દ્વારા તમામ રાજકીય પક્ષોની બેઠક યોજીને ચૂંટણી દરમિયાન થતાં ખર્ચના ભાવ નક્કી કર્યાં છે. નક્કી કરેલાં ભાવ મુજબ આ વખતની ચૂંટણીમાં ઉમેદવાર 95 લાખ સુધીનો ચૂંટણી ખર્ચ કરી શકશે. ઉમેદવારી પત્રક ભરવાથી લઈને તમામ પ્રકારના પ્રચાર માટેના જાહેર કાર્યક્રમો, ચૂંટણી સભાઓ અને રેલીઓ માટે ખર્ચના ભાવ તંત્રે નક્કી કર્યાં છે, તે મુજબ જ કરવાના રહેશે. જાહેર સભાઓ અને કાર્યાલય પર રાખવામાં આવતી ખુરશીનો પ્રતિનંગે 10 રૂપિયાનો ભાવ નક્કી કરાયો છે. જાહેર સભા દરમિયાન આવતાં સ્ટાર પ્રચારકો માટે રેડ કાર્પેટ પાથરવાનો ભાવ 1 ચોમીના 90 રૂપિયા રાખ્યો છે. આ ઉપરાંત પાઈપવાળા મંડપનો ભાવ 1 ચોમી 120 રૂપિયા, ડોમ મંડપનો પ્રતિ ચોમી 800 રૂપિયા જ્યારે ડોમમાં પાણીના ફુવારા માટે પ્રતિનંગે 1 હજારનો ભાવ નક્કી કરાયો છે. ઉપરાંત ટેબલ 500 રૂપિયે અને જેની પરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવશે તે પોડિયમનો 850 રૂપિયા ભાવ નક્કી કરેલ છે. જાહેર સભા અને કાર્યાલયમાં ફાયર સેફ્ટીને લઈને ફાયર એક્સ્ટીગ્યુસર માટે 1200 રૂપિયા નક્કી કરાયાં છે.
ચૂંટણી પ્રચારમાં ચા અને ભજીયાના નાસ્તાની જાયફત થતી હોય છે. ભજીયા અને ચાનો ખર્ચ લાખોમાં થાય છે, ત્યારે ચૂંટણી તંત્રે 100 ગ્રામ ભજીયા કે બટાકાવડાના 30 રૂપિયા અને અડધો કપ ચા કે કોફીના 6 રૂપિયા નક્કી કર્યાં છે. જ્યારે મિષ્ઠાન વગરની ગુજરાતી થાળી 90 રૂપિયામાં અને મિષ્ઠાન સહિત 140નો ભાવ નિયત કર્યો છે.
સ્ટાર પ્રચારકોના સન્માન અર્થે 50 રૂપિયાના સાદા હારથી લઈને 500 રૂપિયા સુધીના બુકેના ભાવ નક્કી કરાયો છે. ઉપરાંત વીવીઆઈપી લાકડીની ખુરશીનો ભાવ પ્રતિ નંગ 60 રૂપિયા રખાયો છે. જ્યારે પ્રચાર દરમિયાન વપરાંતા વાહનોમાં પ્રતિકિમી ફોર વ્હિલર માટે 10 રૂપિયા, ટુ વ્હિલર માટે 5 રૂપિયા અને ખુલ્લી જીપ પ્રતિ દિવસ માટે 7500 કે પછી રેલી દરમિયાન 25 રૂપિયા પ્રતિકિમીનો ભાવ નક્કી કરાયો છે. ગરમીને ધ્યાને રાખીને પાણીના ટેન્કરનો ભાવ 600 રૂપિયા નિયત કર્યો છે. પ્રચાર દરમિયાન રિક્ષાનું પ્રતિદિનનું ભાડું 900 જ્યારે ફોર વ્હિલરનું 4000 નક્કી કરેલ છે.
પક્ષના સ્ટાર પ્રચારકોના પરિવહન માટે હેલિકોપ્ટર કે એરક્રાફ્ટનો ઉપયોગ કરાતો હોય છે. જેમાં સૌથી વધુ 4.35 લાખનો ભાવ ઓગસ્ટા-139 એસી ટ્વીન એન્જિન હેલીકોપ્ટરનો પ્રતિ કલાક માટે નક્કી કરાયો છે. જ્યારે એરક્રાફ્ટમાં સૌથી વધુ ચેલેન્જર જેટ એરવેઝના 4.95 લાખ પ્રતિ કલાકના દરે ભાવ નિયત કર્યાં છે. એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરમાં સૌથી નિચા ભાવે બેલ-206એસી ટ્વીન એન્જિનના 1.27 લાખ પ્રતિ કલાકે નક્કી કર્યો છે.