રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ ગયા વર્ષે ૨૦૨૩ની ૧૯ મેએ ૨૦૦૦ રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. એ માટેના પરિપત્રમાં કહ્યું હતું કે ૨૦૦૦ રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવશે, પરંતુ એ માન્ય રહેશે. જોકે નોટો જમા કરાવવાની છેલ્લી તારીખ ક્યારેય પૂરી થઈ નથી. આજે પણ તમે RBIની ઑફિસમાં જઈને તમારા બૅન્ક-અકાઉન્ટમાં નોટો જમા કરાવી શકો છો અથવા બદલી શકો છો.
લોકોને હજી પણ ઘરમાંથી ૨૦૦૦ રૂપિયાની નોટો મળી આવતી હોવાથી તેઓ ફોર્ટ ખાતે આવેલી RBIની ઑફિસમાં નોટો બદલવા જઈ રહ્યા છે. ૨૦૦૦ની નોટ બદલવા આવતા લોકોને મળવાનું અને આખી પ્રક્રિયા જોવા-સમજવાનું. આ નિર્ણય કર્યા પછી ત્યાં પહોંચીને જે જોયું એના પરથી તમને આગાહ કરી દઈએ કે ત્યાં ઢગલાબંધ એજન્ટો તમને ઘેરી લેશે અને ઑન ધ સ્પૉટ નોટ બદલવી છે કે કેમ એવા સવાલ પૂછશે. તેઓ અનેક પ્રકારની લલચામણી ઑફરો આપીને અને કોઈ પણ પ્રકારના આઇડેન્ટિટી (ID) પ્રૂફ વગર જ નોટો બદલી આપે છે. RBIની ઑફિસના પરિસરની પાસે આ એજન્ટો ફરતા હોય છે. તેઓ ૨૦૦૦ રૂપિયાની નોટ લઈને ૨૦૦થી ૧૩૦ રૂપિયા સુધી કાપીને તમને ૫૦૦ની નોટો લાઇનમાં ઊભા રહ્યા વગર જ આપી દેશે.
ફોર્ટમાં આવેલી RBIની ઑફિસના ગેટ પાસે ટૅક્સી ઊભી રહી અને દરવાજો ખોલ્યો કે તરત જ એક એજન્ટ આવ્યો અને પૂછવા લાગ્યો કે દો હઝાર રૂપિયે કા નોટ બદલના હૈ ક્યા? મેં કહ્યું કે લાઇનમાં ઊભા રહીને નોટ બદલવી છે. ત્યારે એજન્ટે કહ્યું કે વહાં તો લંબી લાઇન હૈ ઔર ૧૦ નોટ હી બદલકે દેંગે, બાકી બદલની હોગી તો અકાઉન્ટમાં મેં જમા કરના પડેગા ઔર વો ઢાઈ સે તીન મહિને લગ જાએંગે અકાઉન્ટ મેં આને કો.
આ બધું સાંભળ્યા બાદ થોડું આગળ ચાલી તો તડકામાં બેસેલા લોકો લાંબી લાઇનમાં જોવા મળ્યા. તેમની પાસે એક, બે કે એનાથી વધુ નોટો હતી અને તેઓ ટોકન લઈને ઓળખપત્ર સાથે સવારથી લાઇનમાં બેઠા હતા. જોકે થોડા મોડા પડીએ તો ટોકન મળે નહીં. એટલે સવારે નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી પહોંચવું પડે અને પછી ક્યારે નંબર આવે એનો અંદાજ નહીં. ઘાટકોપરથી ૬૯ વર્ષનાં એક જૈન મહિલા પણ ૨૦૦૦ રૂપિયાની દસથી વધુ નોટો એટલે કે વીસ હજાર રૂપિયાથી વધુ પૈસા અકાઉન્ટમાં ડિપોઝિટ કરવા આવ્યાં હતાં. તેઓ સિનિયર સિટિઝન હતાં એટલે તેમને લાઇનમાં આગળ બેસાડ્યાં હતાં. તેમણે કહ્યું, ‘હું સવારે ૯ વાગ્યે આવી ત્યારે મારો નંબર સાડાઅગિયાર વાગ્યા બાદ આવ્યો. અહીં સિનિયર સિટિઝન માટે સિસ્ટમ સારી છે, પણ આ એજન્ટો પર ભરોસો કરાય એમ નથી. આ સિસ્ટમ વધુ ફાસ્ટ કરવામાં આવે તો લોકોને તડકામાં બેસવાની હેરાનગતિ ઓછી થાય.’
ભાયખલામાં રહેતા દીપક બોરીચા પણ ૬૦૦૦ રૂપિયા બદલવા આવ્યા હતા. તેમણે ‘કહ્યું, ‘આમ તો RBIનું કાર્યાલય ૧૦ વાગ્યે શરૂ થઈ જતું હોય છે, પરંતુ ટોકન જલદી મળે એટલા માટે લોકો વહેલી સવારે આવીને બેસી જતા હોય છે. હું સવારે સાડાઆઠ વાગ્યે ગયો અને ૧૦ વાગ્યે વૉચમૅન આવીને ઓળખપત્ર છે કે નહીં એ પૂછીને નામ લખીને ટોકન આપી ગયો હતો. લાઇનમાં બેઠો ત્યારે એક એજન્ટે આવીને કહ્યું કે ક્યોં ઇતના ટાઇમ વેસ્ટ કર રહે હો, નંબર આએગા કિ નહીં ક્યા માલૂમ. એમ કહીને તેણે એક નોટ પાછળ ૨૦૦ રૂપિયાનું કમિશન માગ્યું. મારી પાસે ૬૦૦૦ રૂપિયા હોવાથી ૬૦૦ રૂપિયા કહ્યા પછી મેં જવાબ ન આપ્યો તો ૫૦૦ રૂપિયા આપો એમ કહ્યું. હું તૈયાર થયો એટલે તેણે ૫૦૦ રૂપિયા કમિશનના કાપીને સાડાપાંચ હજાર રૂપિયા પાંચસો-પાંચસોની નોટમાં આપ્યા. તમામ બૅન્કની શાખાઓમાં નોટો બદલવાનું રાખવું જોઈએ જેથી લોકોને હેરાનગતિ ન થાય અને ખુલ્લેઆમ આવી દલીલ પર રોક લાવી શકાય.’
મારી પાછળ પણ અનેક એજન્ટો પડી ગયા અને પૂછવા લાગ્યા કે કેટલા પૈસા બદલવાના છે? ત્યારે એક મહિલા આવીને અનેક ઑફરો આપવા લાગી. એટલે પાંચ લાખ રૂપિયા બદલવા છે એમ કહ્યું ત્યારે તે મહિલા કહેવા લાગી કે એક કરોડ રૂપિયા પણ અમે બદલી આપ્યા છે તો આ તો નાની રકમ છે, તમારે કોઈ પણ ID દેખાડવું નહીં પડે. એમ કહીને તેણે બૅગમાં રહેલી નોટો પણ દેખાડી. પહેલાંનો દલાલ મહિલા દલાલને કહેવા લાગ્યો કે યે તો મેરી ઘિરાક હૈ, મૈં લેકે આયા. ત્યાર બાદ ત્યાં ઊભેલા પાંચેક દલાલોની આસપાસમાં બોલાચાલી પણ થઈ. આ બધું થઈ રહ્યું હતું RBIની ઑફિસની બહાર જ. પાંચ લાખ રૂપિયા સાંભળીને એજન્ટો પીછો છોડવા તૈયાર નહોતા. ઠંડા પાણીની બૉટલો અને ચાવાળા પાસેથી ચા પણ આપી રહ્યા હતા. ૨૦૦ રૂપિયાથી શરૂ થયેલું કમિશન ૧૩૦ રૂપિયા સુધી પહોંચ્યું હતું. તેમના કહેવા પ્રમાણે એજન્ટો દરરોજ લાઇનમાં બેસે છે અને આધાર કાર્ડ દેખાડીને ૨૦,૦૦૦ રૂપિયા બદલાવે છે એટલે તેમની પાસે જોઈતા હોય એટલા પૈસા મળી રહે છે. ત્યાર બાદ ફરી પહેલાં જે મળ્યો હતો એ દલાલ તો અંતે એમ પણ કહેવા લાગ્યો કે પાંચસો રૂપિયા દે દો, લાઇન લગાએ બિના સીધા અંદર જાને કો મિલેગા. જ્યાં સુધી ત્યાં ઊભા રહીએ ત્યાં સુધી અને છેક દૂર સુધી એજન્ટો તમારી પાછળ પૈસા બદલવા તમને અનેક ઑફરો આપીને સમજાવતા હોય છે.