દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ગુજરાતમાં ભાજપે તમામ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. લોકસભામાં ભાજપનો ગઢ ગણાતું ગુજરાતમાં ફરી ભગવો લહેરાય એ માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાને ઊતરશે. ગુજરાતના ચારેય ઝોનમાં નરેન્દ્ર મોદી સભા કરશે એવું જાણવા મળ્યું છે. ગુજરાતમાં ચારથી વધુ સભા કરે એવી શક્યતા છે, જેમાં રૂપાલાનો વિરોધ શાંત કરવા પહેલી સભા રાજકોટમાં કરે એવી શક્યતા છે. સભાની સાથે રેલી, રોડ-શોનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતના ચારેય ઝોન, જેમ કે સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નરેન્દ્ર મોદી સભા કરી આખા રાજ્યને કવર કરશે. એમાં પહેલી સભા 22 એપ્રિલે રાજકોટમાં કરે એવી માહિતી રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળી છે, કારણ કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ ગુજરાતભરના ક્ષત્રિયો વિરોધ કરી રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરી રહ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદી આ વિરોધને શાંત કરવા મેદાને ઊતરશે.
ગુજરાતની ચૂંટણીમાં આ વખતે પ્રશ્ન એ વાતને લઈને નથી કે ભાજપ કેટલી બેઠક જીતશે, પરંતુ પ્રશ્ન એ છે કે કેટલી બેઠક 5 લાખના માર્જિન સાથે જીતશે? અને આ ચર્ચા એટલા માટે, કેમ કે 2022ના વિધાનસભા ચૂંટણીમાં 80 ટકા બેઠક જીત્યા બાદ ભાજપે જાહેરાત કરી હતી કે તે રાજ્યની તમામ 26 લોકસભા બેઠક 5 લાખથી વધુના માર્જિનથી જીતશે. આ દાવા પાછળનું એક કારણ છે મોદી. માત્ર ભાજપ જ નહીં, પરંતુ કોંગ્રેસ પણ મોદીના જ ભરોસે છે. ગાંધીનગરના પોશ વિસ્તારથી લઈને કચ્છના નલિયા ગામ સુધી મોદીના પક્ષમાં અથવા તો મોદીના વિરોધની વાત સાંભળવા મળી રહી છે.
ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે. ભાજપે 2014 અને 2019ની ચૂંટણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 26 બેઠકમાંથી 13 બેઠક પર કોંગ્રેસની સરખામણીએ બેથી અઢી ગણી લીડ સાથે મત મળ્યા હતા. ભાજપે તમામ 26 બેઠક જીતી હતી. આ 26 બેઠકમાંથી 22 બેઠક પર 2 લાખથી વધુના મત સાથે જીત મેળવી હતી. આ સાથે ગાંધીનગર, વડોદરા, સુરત અને નવસારી એમ 4 બેઠક પર પાંચ લાખથી વધુ મતોની સરસાઇ મળી હતી. માત્ર 4 બેઠક એવી હતી, જેના પર જીતનું માર્જિન સવા લાખથી 2 લાખ વચ્ચે રહ્યું હતું. આ પહેલાંની લોકસભા 2014ની સમાન્ય ચૂંટણીમાં ભાજપે 26માંથી 26 બેઠક જીતી હતી, જેમાંથી પણ 16 બેઠક 2 લાખથી વધુના માર્જિન મત સાથે વિજય મેળવ્યો હતો.