મહારાષ્ટ્રમાં એક બિલાડીનો જીવ બચાવવા પાંચ લોકો મૃત્યુંને ભેટ્યાં છે. આ ઘટના અહેમદનગર જિલ્લાની છે. હકીકતમાં જિલ્લના નેવાસા તાલુકામાં એક પાલતુ બિલાડી બાયોગેસના ખાડામાં પડી ગઈ હતી. આ બિલાડીને બચાવવા ગયેલી વ્યક્તિ બહાર ન નીકળતા પરિવારના બીજા પાંચ સભ્યો મદદ માટે નીચે ઉતર્યા. કમનસીબે આ રીતે 6 લોકો બાયોગેસના ઊંડા કૂવામાં ફસાઈ જતા ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા.જો કે, આમાંથી મહામહેનતે એકને જીવતો બચાવી શકાયો હતો. આ દુર્ઘટના બાદ જિલ્લામાં હડકંપ મચ્યો હતો.
નેવાસા પોલીસ સ્ટેશનના પ્રભારી ધનંજય જાધવે જણાવ્યું કે બુધવારે રાત્રે 12.30 વાગ્યા સુધી મૃતદેહોને બહાર કાઢવાનું કામ ચાલુ હતું. મંગળવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે બાકીના મૃતદેહને દોઢ કલાકમાં બહાર કાઢવામાં આવ્યા હતા. જાધવે વધુમાં જણાવ્યું હતું કે પીડિતોમાંથી એક 35 વર્ષીય વિજય માણિક કાલેને ઝડપથી કૂવામાંથી બહાર નીકાળવામાં આવ્યો હતો. જો કે, સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ત્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ તમામ લોકો બિલાડીને બચાવવામાં કૂવામાં કૂદી પડ્યા હતા. આ કૂવો ઘણા સમયથી બંધ હતો. તેમાં સ્થાનિકો કચરો ઠાલવતા હતા. જ્યારે કમરે દોરડું બાંધીને કૂવામાં ઘૂસેલા એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. પોલીસે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો છે.
વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અહમદનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમની ઘટના અંગે જાણ થતાં રેસ્ક્યૂ ઑપરેશન શરૂ કર્યું હતું. ટીમે કૂવામાં પડી ગયેલા પીડિતોને ઓક્સિજન આપવા અને અંદરથી ગંદકી દૂર કરવા માટે બે મોટા સક્શન પંપ પણ લગાવ્યા હતા. આમ છતાં તેઓના જીવ બચાવી શકાયા ન હતા. અધિકારીઓએ જણાવ્યું કે સૂકા કૂવામાં ઝેરી ગેસ ફેલાયો હતો. પરિવારના સભ્યોને બચાવવા પાંચ એમ્બ્યુલન્સ પણ સ્થળ પર તૈયાર રાખવામાં આવી હતી.