નરેન્દ્ર મોદી સરકારના શાસનમાં ચીન એક ઇંચ જેટલી જમીન પર પણ હડપ કરી શક્યું નથી તે બાબત પર ભાર મૂકી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે 1962માં ચીનના આક્રમણ દરમિયાન ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આસામ અને અરુણાચલ પ્રદેશને બાય-બાય કહ્યું હતું, જેને લોકો ક્યારેય ભૂલી શકશે નહીં.
બીજી તરફ ચીન પર ગર્ભિત પ્રહાર કરતાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે જો કોઈ સન્માનને ઠેસ પહોંચાડે તો ભારત પાસે જવાબ આપવાની ક્ષમતા છે.
લખીમપુરમાં ચૂંટણીસભાને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે કેન્દ્રમાં ભાજપના વડપણ હેઠળની સરકારે બાંગ્લાદેશ સાથેની દેશની સરહદ સુરક્ષિત કરી છે અને ઘૂસણખોરી અટકાવી છે. 1962ના ચીની આક્રમણ દરમિયાન નેહરુએ આસામ અને અરુણાચલ પ્રદેશને ‘બાય-બાય’ કહ્યું હતું. આ રાજ્યોના લોકો તેને ક્યારેય ભૂલી શકે નહીં. પરંતુ હવે ચીન આપણી જમીનના એક ઇંચ વિસ્તાર પર પણ અતિક્રમણ કરી શકે નહીં. ડોકલામમાં પણ ભારતે ચીની સૈનિકોને પાછા ધકેલી દીધા હતાં. આસામની બાંગ્લાદેશ સાથેની સરહદ અગાઉ ઘૂસણખોરી માટે ખુલ્લી હતી.
બીજી તરફ અરુણાચલ પ્રદેશમાં નામસઈ ખાતે ચૂંટણીસભામાં રાજનાથે જણાવ્યું હતું કે ચીને અરુણાચલપ્રદેશના 30 સ્થળોના નામ બદલી નાખ્યા છે અને તેને તેની વેબસાઇટ પર પોસ્ટ કર્યા છે. પરંતુ નામ બદલવાથી કંઈ થશે નહીં. હું પાડોશી દેશને કહેવા માંગુ છું કે જો આવતીકાલે અમે ચીનના રાજ્યોના નામ બદલીશું, તો શું ચીનના તે રાજ્યો ભારતના થઈ જશે? ચીને એ ગેરસમજમાં ન રહેવું જોઈએ કે તેઓ રાજ્યના સ્થળોના નામ બદલીને અરુણાચલ પ્રદેશ પર દાવો કરી શકે છે. આવી હિલચાલથી ભારત અને ચીન વચ્ચેના સંબંધો બગડશે.