જામનગરમાં દારૂની બોટલ સાથે ઝડપાયેલી વ્યક્તિને કાર્યવાહી ન કરવા રૂ.15,000 ની લાંચ લેતા એક હેડ કોન્સ્ટેબલની એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ ધરપકડ કરી છે.
એસીબીના અધિકારીઓએ આ કેસમાં જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ બાદલ એન.ચોટલીયાને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.
આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદીના સંબંધીને અગાઉ હેડ કોન્સ્ટેબલ બળવંત ચોટલીયાએ દારૂની એક બોટલ સાથે પકડ્યો હતો.
જેમાં આરોપી ચોટલીયા ફરિયાદીને મળ્યો હતો અને કહ્યું હતું કે તમારા સંબંધીના કેસમાં વહીવટના રૂ. 15,000 આપવા પડશે. ફરિયાદીએ તે વખતે સગવડ ન હોવાનું કહેતા કોન્સ્ટેબલ પૈસાના બદલામાં ઘઉં અને જીરાની માંગણી કરી હતી. જોકે ફરિયાદીએ કોન્સ્ટેબલને તમારી રીતે તમે ઘઉં લઈ લેજો એમ કહ્યું હતું.
જેને પગલે કોન્સટેબલે 15 હજાર રૂપિયા આપી દેજો એમ કહ્યું હતું. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે એસીબીએ જોમનગરમાં રામેશ્વર ચોક મોમાઈ હોટેલ પાસે જાળ બિછાવી હતી. જેમાં આરોપી હેડ કોન્સ્ટેબલ ચોટલીયા ફરિયાદી પાસેથી 15 હજારની લાંચ લેતા પકડાઈ ગયો હતો. આ કાર્યવાહી જામનગર એસીબી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એમ.ડી.પટેલ અને તેમની ટીમે બજાવી હતી.