ગાંધીનગરના કોબા કે. રાહેજા નજીક બાંધકામ સાઈટની ઓરડીમાં ધમધમતા જુગાર ધામનો ઈન્ફોસિટી પોલીસે પર્દાફાશ કરી છ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડી 13 હજાર 770 રોકડા, રૂ. 1.42 લાખના સાત મોબાઇલ તેમજ કાર મળીને કુલ રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરમાં લોકસભા ચુંટણીને લઈને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ તાબાનાં પોલીસ અધિકારીને સઘન પેટ્રોલીંગ કરી દારૂ જુગારની પ્રવર્તીઓ ઉપર ધોંશ બોલાવી દેવાની સૂચનાઓ આપવામાં આવેલી છે. જે અન્વયે ઈન્ફોસિટી પોલીસ મથકના ડી સ્ટાફ પીએસઆઇ વી. જી. પરમાર સહિતની ટીમ ન્યુ ગાંધીનગર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહને બાતમી મળી હતી કે, કે. રાહેજા તરફ જતાં રોડની જમણી બાજુમાં કોબા ગામ ટી.પી નં.2 ના સર્વ નં.121/4 તથા 121/5 માં ચાલુ બાંધકામની સાઈટની બંધ ઓરડીમાં કેટલાક ઇસમો પોતાના આર્થિક ફાયદા સારૂ ગંજીપાનાથી હારજીતનો જુગાર રમે રમાડે છે.
જે હકીકતના આધારે બાતમી વાળી જગ્યાએ પોલીસ ટીમ ત્રાટકી હતી. જ્યાં ભોયતળીયે આવેલ ઓરડીમાં કેટલાક ઇસમો ટેબલ ઉપર ગંજીપાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમતા જોવા મળ્યા હતા. જેઓને જેતે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી પોલીસે જુગારીઓની પૂછતાંછ હાથ ધરતા તેમણે પોતાના નામ દીપ અતુલભાઈ માકડીયા( રહે.એ/401, કલોક પરીસર, ગોતા), કલ્પેશ રમેશભાઈ રાવળ (રહે.ગામ જુના કોબા, મોટો વાસ), સ્મિત ભરતભાઈ નાકરાણી, અર્પિત ભરતભાઈ નાકરાણી (બન્ને રહે. રહે હાલ.304, વિશેષ રેસીડેન્સી, એશ.જી. હાઈ-વે, ગોતા, અમદાવાદ મુળ રહે. ઓધવ એવન્યુ-1, પ્રમુખ સ્વામી નગર પાસે, ભુજ), જીતેન્દ્ર હીરાલાલ લીમ્બાણી( રહે. મકાન નં.ડી/502, શ્રીરંગનગર, ગીફ્ટ સીટી રોડ, રાંદેસણ) તેમજ સંદીપ કાળુભાઈ અંતલા (રહે. મકાન નં.એ/503, પ્રાઇડ સોસાયટી, અમર જવાન સર્કલ, નિકોલ) હોવાનું જણાવ્યું હતું.
બાદમાં પોલીસે જુગારીઓની અંગ ઝડતી – દાવ પરથી 13 હજાર 770 રોકડા, રૂ. 1 લાખ 42 હજારની કિંમતના સાત મોબાઇલ ફોન, દોઢ લાખની ફોર વ્હીલ ગાડી તેમજ જુગારનું સાહિત્ય મળીને કુલ રૂ. 3 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત તમામની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.