ગાંધીનગરના દહેગામ-રખીયાલ રોડ પર સર્જાયેલા અકસ્માતના છાતીના પાટિયા બેસાડી દે એવા સીસીટીવી સામે આવ્યા છે. રોંડ સાઇડે પુરઝડપે આવતી ઇનોવા કારે રિક્ષાને ધડાકાભેર ટક્કર મારતા રિક્ષા ત્રણ-ચાર ગુલાટીઓ ખાઇને પલટી ગઇ હતી. જોકે, આના કરતાં પણ હચમચાવી દેતા દૃશ્યો છે રિક્ષામાં બેઠેલી મહિલાના માથાના.. આ ભયંકર અકસ્માતમાં મહિલાનું માથુ ધડથી અલગ થઇને અંદાજિત 15 ફૂટ જેટલું દુર ફંગોળાઇ ગયું હતું.
દહેગામના રખીયાલ નાયરા પેટ્રોલ પંપની સામેના રોડ ઉપર ઇનોવા કારની ટક્કરથી રિક્ષા પલટી મારી ગઈ હતી. આ અકસ્માત સર્જાતાં રિક્ષામાં સવાર મહિલાનું માથું ધડથી અલગ થઈને આશરે 15 ફૂટ જેટલું દૂર જઈને પડ્યું હતું. મહિલાનું કમકમાટીભર્યું મોત થતાં રાહદારીઓ પણ હચમચી ગયા હતા. ત્યારે અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ ગંભીર અકસ્માત અંગે મળતી માહિતી મુજબ દહેગામના રખીયાલ ખાતે શક્તિ માતાના મંદિરની સામે રહેતા જગદીશસિંહ ફતેસિંહ મકવાણા સહીતના પરિવારજનો રવિવારે સીએનજી રિક્ષામાં ડભોડા ગામમાં આવેલ સધી માતાના મંદિરે દર્શનાર્થે તેમજ સબંધીની ખબર કાઢવા માટે નિકળ્યા હતા. તે વખતે દહેગામ રખીયાલ રોડ નાયરા પેટ્રોલ પંપની સામેથી પસાર થતી વેળાએ દહેગામ તરફથી આવતી ઇનોવા કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને સામેથી રિક્ષાને ટક્કર મારી હતી.
આ અકસ્માત સર્જાતાં જ રિક્ષા ત્રણ-ચાર ગુલાટીઓ ખાઇને પલટી ગઈ હતી અને રિક્ષામાં સવાર તમામ લોકોને શરીરે નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જ્યારે જગદીશસિંહના ભાભી ભાવનાબેનનું માથું ધડથી અલગ થઈને 15 ફૂટ દૂર જઈને પડયું હતું અને રોડ રક્તરંજિત થઈ ગયો હતો. અકસ્માતના પગલે એકઠા થઈ ગયેલા રાહદારીઓ પણ ધડથી અલગ થયેલું માથું જોઈને હચમચી ઊઠયા હતા.
આ અંગે પોલીસે સૂત્રોએ જણાવ્યું હતું કે, જગદીશ મકવાણા તેમના મોટાભાઈ જોબનસિંહ રંગુસિંહ મકવાણા, ભાભી ભાવનાબેન, પિતા રંગુસિંહ, માતા કોકિલાબેન અને ભત્રીજો સાગરસિંહ ચૈત્રી નવરાત્રિ નિમિતે ડભોડા સધી માતાના મંદિરે બાધા કરી સબંધીની ખબર અંતર પૂછવા માટે નિકળ્યા હતા. આ દરમિયાન ઇનોવાએ સામેથી ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાવનાબેનનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. જ્યારે અન્ય લોકોને શરીરે વધતી ઓછી ઈજાઓ થઈ હતી.