અમદાવાદ શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ પરિણીતાના લગ્નના ચાર માસ બાદ સાસુ સસરાએ દહેજ બાબતે ત્રાસ ગુજારવાનું શરૂ કર્યુ હતું. આટલું જ નહિ પતિએ પણ વર્તનમાં બદલાવ લાવીને પત્ની સાથે ઝગડા શરૂ કર્યા હતા. તેવામાં પરિણીતાને ગર્ભ રહેતા તેણે ઘરકામમાં મદદ માટે બહેનને બોલાવી ત્યારે પતિએ તેની સાળી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો.
પતિએ પત્ની પાસે છુટાછેડા માંગીને સાળીને ન છોડવાનું કહીને પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી આ મામલે મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હાલ મણીનગરમાં રહેતી 30 વર્ષીય યુવતીના ઓઢવ વિસ્તારમાં રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. લગ્નના ચાર માસ બાદ સાસુ, સસરા એ દહેજ બાબતે ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. પતિએ પણ વર્તન વ્યવહારમાં બદલાવ લાવીને પત્ની સાથે ઝગડા શરૂ કર્યા હતા. જ્યારે પરિણીતાને ગર્ભ રહ્યો ત્યારે તેણે તેની નાની બહેનને ઘરકામમાં મદદ કરવા માટે બોલાવી હતી. ત્યારે અચાનક જ પરિણીતાના પતિએ સ્વભાવ અને વર્તનમાં બદલાવ લાવ્યો હતો.
પરિણીતા સાથે તેનો પતિ સારી રીતે વાત કરતો ન હતો પરંતુ સાળી સાથે વધુ સમય વાતો કર્યા કરતો હતો. તેવામાં પરિણીતાને તેની બહેન અને પતિ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની જાણ થઇ હતી. પતિનું પ્રેમ પ્રકરણ પકડાઇ જતા તેણે સાળી સાથે સંબંધ ન રાખવાની બાંયધરી આપી હતી પરંતુ બાદમાં પણ પ્રેમ પ્રકરણ યથાવત રહ્યુ હતું.
જેથી પરિણીતાએ પતિને આ બાબતે વાત કરતા તેણે સાળીને તો નહિ જ છોડુ પણ તું છુટાછેડા આપી દે તેવું પરિણીતાને કહીને ઝગડો કરીને પરિણીતાને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી આ મામલે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.