લગ્નજીવનમાં કોઈ પતિ કે પત્નીના આડાસંબંધો સામે આવે તો બેમાંથી કોઈ એક પાર્ટનર છૂટાછેડા લઈ શકે છે. વ્યભિચાર છૂટાછેડાનો આધાર બની શકે છે તેવું એક હાઈકોર્ટે જાહેર કર્યું છે. બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે આડાસંબંધો છૂટાછેડાનો આધાર બની શકે પરંતુ બાળકની કસ્ટડીનો નહીં. નવ વર્ષની બાળકીની કસ્ટડી તેની માતાને સોંપતા બોમ્બે હાઈકોર્ટે કહ્યું છે કે લગ્નેતર સંબંધો છૂટાછેડા માટેનું કારણ બની શકે છે, પરંતુ બાળકની કસ્ટડી આપવા માટે નહીં.
જસ્ટિસ રાજેશ પાટીલની સિંગલ બેન્ચે 12 એપ્રિલે ફેમિલી કોર્ટના ફેબ્રુઆરી 2023ના નિર્ણયને પડકારતી મહિલા પૂર્વ ધારાસભ્યના પુત્રની અરજીને ફગાવી દીધી હતી.
ફેમિલી કોર્ટે પણ બાળકીની કસ્ટડી તેની માતાને સોંપી દીધી હતી. આ કેસમાં દંપતીના લગ્ન 2010માં થયા હતા અને તેમની પુત્રીનો જન્મ 2015માં થયો હતો. વ્યવસાયે ડૉક્ટર, મહિલાએ દાવો કર્યો હતો કે તેને 2019માં ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી, જ્યારે અરજદારે આરોપ લગાવ્યો હતો કે તેની પત્નીએ પોતાની મરજીથી ઘર છોડી દીધું હતું.
અરજીકર્તાના વકીલ ઈન્દિરા જયસિંહે કોર્ટમાં દલીલ કરી હતી કે મહિલાના ઘણા લગ્નેત્તર સંબંધો હતા, તેથી બાળકીની કસ્ટડી તેને સોંપવી યોગ્ય નથી. સારી પત્ની ન હોવાનો અર્થ એ નથી કે તે સારી માતા નથી.
અરજદારે અરજીમાં દાવો કર્યો હતો કે તેની પુત્રી તેની માતાથી ખુશ નથી અને તેના વર્તનમાં કેટલાક ફેરફારો જોવા મળ્યા છે. તેથી દીકરીના હિતમાં તેને તેની અને તેના માતા-પિતા સાથે રહેવા દેવી જોઈએ. જયસિંહે કોર્ટને જણાવ્યું કે છોકરીની શાળાએ અરજદારની માતાને તેના વર્તન અંગે ચિંતા વ્યક્ત કરતા ઈ-મેઈલ પણ લખ્યા હતા, પરંતુ હાઈકોર્ટે તેને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.