તાઇવાનમાં ફરીથી ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. તાઇવાનમાં સોમવાર સાંજે 5 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન 80થી વધુ વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા જેમાં સૌથી વધુ તીવ્રતા 6.3 અને 6 નોંધવામાં આવી છે. ભારતીય સમય અનુસાર, આ બન્ને ઝટકા રાત્રે 12 વાગ્યાની આસપાસ કેટલીક મિનિટના સમયમાં આવ્યા હતા. તાઇવાનમાં ત્યારે રાતના 2.26 અને 2.32 વાગ્યા હતા.
ભૂકંપનું કેન્દ્ર પૂર્વ કાઉન્ટી હુલિએનમાં 5.5 કિલોમીટર નીચે હતું. ભૂકંપને કારણ હુલિએનમાં બે બિલ્ડિંગને નુકસાન થયું છે જેમાં એક બિલ્ડિંગ પડી ગઇ હતી તો બીજી રોડ તરફ આડી થઇ ગઇ હતી. જાપાન, ચીન અને ફિલિપાઇન્સમાં પણ સામાન્ય ઝટકા અનુભવાયા હતા. જોકે, કોઇ નુકસાનના સમાચાર નથી.
આ પહેલા તાઇવાનમાં 3 એપ્રિલે 7.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં 14 લોકોના મોત થયા હતા, તે સમયે પણ ભૂકંપ હુલિએન શહેરમાં જ આવ્યો હતો, જેનું કેન્દ્ર ધરતીથી 34 કિલોમીટર નીચે હતું.
ભારતીય સમય અનુસાર સવારે 5.30 વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જ્યારે કેટલીક બિલ્ડિંગ પડી ગઇ હતી અને લેન્ડ સ્લાઇડની પણ ઘટના બની હતી.
તાઇવાન બે ટેકનોટિક પ્લેટોના જંક્શન પર વસેલો દેશ છે, જે ભૂકંપના હિસાબથી સેન્સેટિવ માનવામાં આવી છે. 2016માં દક્ષિણ તાઇવાનમાં આવેલા ભૂકંપથી 100થી વધુ લોકો માર્યા ગયા હતા. આ પહેલા 1999માં 7.3ની તીવ્રતાના ભૂકંપમાં 2 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા.
દર વર્ષે દુનિયામાં કેટલાક ભૂકંપ આવે છે પરંતુ તેની તીવ્રતા સામાન્ય હોય છે. નેશનલ અર્થક્વેક ઇન્ફર્મેશન સેન્ટર દર વર્ષે 20,000 ભૂકંપ રેકોર્ડ કરે છે, જેમાંથી 100 ભૂકંપ એવા હોય છે જેનાથી નુકસાન વધારે થાય છે. ભૂકંપ કેટલીક સેકન્ડ અથવા કેટલીક મિનિટ સુધી રહે છે. અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ વખત રહેનારો ભૂકંપ 2004માં હિન્દ મહાસાગરમાં આવ્યો હતો. આ ભૂકંપ 10 મિનિટ સુધી રહ્યો હતો.