છેલ્લા લાંબા સમયથી પાટનગરમાં જાહેર માર્ગોની સમસ્યા કાયમી બનેલી જોવાં મળી છે, ચોમાસુ પૂરું થયાને 7 મહિના જેટલો સમય થયો છે. આગામી 2 માસમાં ચોમાસાની નવી સીઝન પણ ચાલું થશે, ત્યારે શહેરમાં ફરીથી રસ્તાની સમસ્યા જોવાં ના મળે તે માટે તંત્રે વિવિધ સ્થળે ટકાઊ રસ્તા બનાવવાની કામગીરી હાથ ધરી છે, પરંતુ તંત્રના કર્મચારીઓ અને એજન્સી દ્વારા કુલડીમાં ગોળ ભાંગીને રોડ નિર્માણમાં કટકી કરેલ હોવાની ગંધ આવી રહી છે. કરોડોના ખર્ચે બનાવવામાં આવતાં વાઈટ ટોપીંગ રોડ નિર્માણમાં અધિકારીઓનું આર્થિક હિત સચવાયેલું જોવાં મળી રહ્યું છે. અડાલજ થી કોબા સુધી 6.2 કિમીનો વાઈટ ટોપીંગ રોડ પાટનગર યોજના વિભાગ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. વાઈટ ટોપીંગ રોડના નિર્માણ માટે ડામરનું લેયર 25 ટકા જેટલું કાઢી નાંખવું પડતું હોય છે, યોજના વિભાગે નક્કી કરેલ એજન્સી દ્વારા લેયર કાઢવામાં ન આવેલું જોવાં મળ્યું છે. પરિવહન સંબધીત લગાવવામાં આવતાં સફેદ કલરના થર્મો પ્લાસ્ટના પટ્ટા પણ દૂર કરાયા નથી. જૂના ડામરના રોડ પર જ તંત્રે વાઈટ ટોપીંગનું નિર્માણ કાર્ય શરૂ કરી દીધું છે. 26 કરોડના ખર્ચે બનાવવામાં આવતાં વાઈટ ટોપીંગ રોડ માટે નિયમોનુસાર 75 ટકા ડામર રહેવા દેવાનો હોય છે. બાકી 25 ટકા મીલીંગ કરવાનો હોય છે. 210 એમએમની થીકનેસ ધરાવતાં આ રોડ પર મીલીંગ કરવામાં ન આવેલ હોવાથી રોડની ઉંચાઈ વધેલી જોવાં મળી છે. જેથી રોડની બંન્ને બાજુ સોલ્ડર ફિલર કરવાની પણ જરૂરીયાત ઉપસ્થિત થશે.
અડાલજ થી કોબા સુઘી 26 કરોડના ખર્ચે બનાવાતાં વાઈટ ટોપીંગમાં થયેલ ગેરરિતીની આશંકાને પગલે પાટનગર યોજના વિભાગના ડેપ્યુટી એન્જિનિયરને પૂછતાં જણાવ્યું હતું કે, વાઈટ ટોપીંગ નિર્માણમાં ડામરનું લેયર 50 એમએમ સુધી મીલીગ કર્યાં પછી જ નિર્માણની કામગીરી કરવાની હોય છે.પરંતુ શરૂઆતના તબક્કે ટ્રાફિકની સમસ્યા વધારે હોવાથી તથા મીલીંગ મશીનથી ભારે ટ્રાફિક થતો હોવાને કારણે મીલીંગ કરાયું જ નથી.
સ્થળ પર મુલાકાતમાં મીલિંગ થયું નહીં હોવાનું સ્પષ્ટ દેખાઇ આવે છે. એક સરકારી ઇજનેરી કોલેજના પ્રોફેસરે કહ્યું કે વાઈટ ટોપિંગ કરવા માટે ડામરનું યોગ્ય માત્રામાં લેયર દૂર કરવા માટે મીલિંગની પ્રક્રિયા કરવી જ પડે.
આઈઆઈટી રામના રોડ વિભાગના એક્સપર્ટે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, વાઈટ ટોપીંગ રોડના નિર્માણ માટે 3 એમએમનું લેયર દૂર કરવું પડે છે. રોડ પર લગાવવામાં આવેલાં થર્મોપ્લાસ્ટના પટ્ટા પણ દૂર થયેલાં ન હોય તેવા કિસ્સામાં બનાવવામાં આવેલ વાઈટ ટોપીંગ રોડનું આયુષ્ય 50 ટકા જેટલું ઘટી જાય છે.