ગુજરાતની લોકસભા બેઠકો પર સાતમી મેના રોજ મતદાન થવાનું છે અને તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી મેથી પ્રચાર યાત્રા શરૂ કરશે. ગુજરાત દિવસે મોદી રાજ્યની પૂર્વીપટ્ટીના આદિવાસી વિસ્તારના લોકોને સભા સંબોધશે. દાહોદમાં યોજાનારી આ સભામાં મોદી પંચમહાલ અને વડોદરાના મતદાતાઓને મત માટે અપીલ કરશે. આ ઉપરાંત મોદી બીજા બે દિવસ અહીં રોકાય તેવી શક્યતા છે. મોદી બીજી અને ત્રીજી મેના રોજ પણ ગુજરાતમાં પ્રચાર સભા કરશે.
મોદી ઉપરાંત અમિત શાહ 27 એપ્રિલથી ગુજરાતમાં પ્રચાર કરવા આવી રહ્યા છે. તેઓ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ ચારેય ઝોનમાં પ્રચારસભામાં સંબોધન કરશે. ગૃહમંત્રી 29 એપ્રિલ સુધી ગુજરાતમાં પ્રચાર રેલીઓ કરશે. આ સાથે તેઓ વિવિધ સમાજના લોકો સાથેના સંમેલનો પણ કરવાના છે.
ભાજપના સુરતના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હોવાથી દક્ષિણ ગુજરાતમાં નવસારી, બારડોલી અને વલસાડ બેઠક પરની જવાબદારી સી આર પાટીલે સ્વીકારી લીધી છે.સમયના અભાવે મોદી કે શાહના રોડ-શો થકી અહીં ભાજપ તરફી વાતાવરણ ખડું કરવા પ્રયાસો કરાશે.
મોદી અને શાહની સભાઓ યોજવા માટે સ્થળ પસંદગી વ્યૂહાત્મક રીતે કરાશે. કોઇ એક સ્થળે સભા યોજી તેની આસપાસની ત્રણથી ચાર બેઠકોને એક સાથે આવરી લેવા માટે ભાજપે ગોઠવણ કરી છે. મોદી અને શાહ દેશના અન્ય ભાગોમાં પણ પ્રચારકાર્ય માટે વ્યસ્ત હોવાથી ગુજરાતમાં તેઓ ઓછામા ઓછા સમયમાં વધુમાં વધુ વિસ્તારને આવરી શકે તેવા આયોજન કરાઇ રહ્યા છે.
ઓછા દિવસોમાં વધુ પ્રચાર અને લોકસંપર્ક કરી શકાય તે હેતુથી પ્રચાર સભાઓ ગ્રામ્ય વિસ્તારમાં કરવાનું આયોજન છે. શહેરોમાં સભાઓ યોજવાને બદલે અહીં મોદી રોડ-શો થકી લોકસંપર્ક કરી લેશે. આ હેતુથી અમદાવાદ, રાજકોટ અને વડોદરા ઉપરાંત વાપી-વલસાડમાં મોદીનો રોડ-શો યોજાઇ શકે છે.