ગાંધીનગર એસટી ડેપો મુસાફરો માટે અસુરક્ષિત બન્યો છે. અહીં પોલીસનો કાયમી પોઇન્ટ મૂકવામાં નહીં આવતા ગઠીયા સક્રિય બન્યા છે. બસમાં બેસવા જતા મુસાફરોના પાકિટ અને મોબાઇલની તફડંચીના બનાવ બન્યા છે. જેમાં બે મુસાફરોના મોંઘા મોબાઇલ તેમજ બે મુસાફરોના પૈસા ભરેલા પાકિટ સેરવીને ગઠીયા પલાયન થઇ ગયા છે.
મંગળવારે બપોરના સમયે સરખેજની બસમાં બેસવા જઈ રહેલા એક મુસાફરનો રૂપિયા 1.5 લાખનો મોબાઇલ ચોરાયો હતો જ્યારે દહેગામ તરફની બસમાં બેસવા જઈ રહેલા મુસાફરનો 25 હજારની કિંમતનો મોબાઇલ ગઠીયા તફડાવી ગયા હતા. આ જ દિવસે સાંજના સમયે બે મુસાફરના પાકિટ પણ ગઠીયાએ સેરવી લીધા હતા.
એક મુસાફરના પાકિટમાં 15 હજાર રૂપિયાની રોકડ હતી જ્યારે અન્ય મુસાફરના પાકિટમાં 2 હજાર રૂપિયા હતા. એસટી ડેપોમાં સીસીટીવી કેમેરા હોવા છતાં ગઠીયા ફાવી જાય છે. પોલીસ તંત્ર ધ્યાન નહીં દેતું હોવાથી મુસાફરોને લુંટાવાનો વારો આવે છે. હાલમાં વેકેશન હોવાથી બસ ડેપોમાં ભારે ભીડ રહે છે જેનો ફાયદો ઉઠાવીને ગઠીયાઓ સક્રિય બની ગયા છે.ગાંધીનગર એસટી ડેપો મુસાફરો માટે અસુરક્ષિત બન્યો છે. અહીં પોલીસનો કાયમી પોઇન્ટ મૂકવામાં નહીં આવતા ગઠીયા સક્રિય બન્યા છે.