રાજકોટમાંથી સેલ્ફ કાર ભાડે લઈ જઈ પડાવી લેવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂ।.3.51 કરોડની 47 કાર કબ્જે કરી મોટા રેકેટને ક્રેક કર્યો હતો. થોડાં દિવસોમાં અલગ અલગ પોલીસ મથકમાં 48 જેટલી કારની વાહનના ધંધાર્થીઓ સાથે છેતરપીંડી કરી કોઠારીયાનો અક્કી અને જામનગરનો બિલાલ પડાવી ગયાની ફરીયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે બેલડીને દબોચી મોટી કાર્યવાહી કરી હતી.
રાજકોટ શહેરમાંથી અલગ અલગ સેલ્ફ કાર ભાડે આપતાં વાહનના ધંધાર્થીની કુલ 51 કાર કોઠારીયાના કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અકી ગોગન પટેલ અને બિલાલ હસનશા શાહમદાર (રહે. જામનગર)એ સેલ્ફ ભાડે લઈ જઈ પડાવી વેંચી નાંખતા અલગ અલગ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશ્નર વીધી ચૌધરી, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ એસીપી ક્રાઇમ ભરત બસીયાએ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીઓને તાત્કાલીક શોધી કાઢી ફરીયાદીઓ તથા સાહેદોની ફોર વ્હિલ ગાડીઓ રીકવર કરવાની આપેલ સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ એમ.જે.હુણ ટીમના સ્ટાફના માણસો હ્યુમન સોર્સીસ તથા ટેકનિકલ સોર્સના આધારે આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હતા.
દરમ્યાન ખાનગી રહે મળેલ હકીકતના આધારે ગુન્હામાં સંડોવાયેલ બેલડીની જામનગર રોડ ખાતેથી પકડી પાડી બારોબાર આપી દીધેલ કુલ 47 ફોર વ્હિલ ગાડીઓ રૂ।.3.51 કરોડનોનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે, આરોપી બિલાલશા શાહમદાર રેલવે પોલીસમાં પણ ગુનો દાખલ થયેલ હોય જેમાં તે હાલ ફરાર હતો. આરોપીઓને પકડવા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ મેહુલ ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ એમ.જે.હુણ, એએસઆઈ રશ્મિન પટેલ, અશોક કલાલ, હેડ કોન્સ્ટેબલ અમિતકુમાર અગ્રવત, સંજય રૂપાપરા, કિરતસિંહ ઝાલા, જનક કુગસિયા, મયુરભાઈ મિયાત્રા, યુવરાજસિંહ ઝાલા, સંજયભાઈ દાફડા, કોન્સ્ટેબલ નગીનભાઈ ડાંગર, ઉમેશભાઈ ચાવડા, ગોપાલ પાટીલ સહિતની ટીમે કામગીરી કરેલ હતી.
આરોપી કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અક્કી ગોગન કોટડીયા પોતે પણ સેલ્ફ ડ્રાઇવીંગમાં ફોર વ્હિલ ગાડી ભાડે આપવાનું કામ કરતો હોય જેનો લાભ ઉઠાવી તેને આરોપી બીલાલશા હસનશા શાહમદાર સાથે મીલાપીપણું કરી, અલગ-અલગ ફોર વ્હિલ ગાડીના માલીકો તેમજ સેલ્ફ ડ્રાઇવીંગમાં ગાડી ભાડે આપવાનો કામધંધો કરતા વ્યક્તિઓને વિશ્વાસમાં લઇ પોતે બીલાલશાના નામે સેલ્ફ ડ્રાઇવીંગમાં અલગ-અલગ ફોર વ્હિલ ગાડીઓ ભાડેથી મેળવી લઇ, બંન્ને આરોપીઓએ થોડો સમય સુધી ગાડીઓનું નિયમીત ભાડું ચુકવી, બંન્ને આરોપીઓએ ગાડીના માલીકોની જાણ બહાર ગાડીઓ બારોબાર અન્ય વ્યક્તિઓને વેચાણ કરવા સારૂ આપી છેતરપીંડી આચરતાં હતાં.