દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. તેવામાં રાજનીતિક પાર્ટીઓ એક બીજા પર જોરદાર આરોપબાજી કરી રહી છે. નેતાઓની સંપત્તિ અને ભ્રષ્ટાચારની પણ ચર્ચા થઈ રહી છે. કેટલાય એવા નેતાઓ છે જેમને ઈલેક્ટોરલ પોલિટીક્સમાં માત્ર થોડો જ સમય પસાર કર્યો છે છતા તેઓની સંપત્તિ ખૂબ વધી ગઈ છે. પરંતુ તમને આજે એક વાત જાણીને નવાઈ લાગશે કે, આ દેશમાં એક એવા PM પણ થઈ ગયા છે જેમને હંમેશા સાદગી અને લિમિટેડ સંશાધનથી જ પોતાનું જીવન પસાર કર્યું હતું જેથી તેમની પાસે કાર ખરીદવાના પણ પૈસા ન હતા.
આપણે વાત કરી રહ્યા છીએ દેશના પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીની. તેઓ જ્યારે ભારતના પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેમની પાસે કાર ખરીદવાના પણ પૈસા ન હતા, જેથી તેમને બેંકમાંથી લોન લેવાનો વારો આવ્યો હતો. શાસ્ત્રી જ્યારે PM બન્યા ત્યારે તેમની પાસે કોઈ કાર ન હતી. જેથી તેમના પરિવારજનોના દબાણને કારણે તેમને કાર ખરીદવાનો નિર્ણય લીધો હતો. તે વખતે કારની કિંમત 12 હજાર રૂપિયા હતી. તેમની પાસે પુરતા પૈસા ન હતા જેથી તેમને પંજાબ નેશનલ બેંકમાંથી લોન લીધી હતી.
હંમેશા સાદગીમાં રહેનારા શાસ્ત્રીજી જ્યારે બેંકમાં લોન લેવા ગયા ત્યારે તેમને બેંકના કર્મચારીઓને કહ્યું હતું કે, “જે સુવિધા મને મળે છે તે તમામને મળવી જોઈએ.” તેમને PNBમાંથી રૂપિયા 5 હજારની લોન લીધી હતી. આ લોનની ભરપાઈ કરી શકે તે પહેલા જ તેમનું નિધન થઈ ગયું હતું.
કહેવાય છે કે, શાસ્ત્રીના નિધન બાદ ભારતના પ્રધાનમંત્રી બનેલા ઈન્દિરા ગાંધીએ તેમની આ બાકી રહેલી લોન માફ કરી દેવાનો આગ્રહ તેમના પરિવારને કર્યો હતો. પરંતુ શાસ્ત્રીજીના પત્ની લલિતા શાસ્ત્રીએ તેનો ઈનકાર કરી બાકી રહેલી લોનની ભરપાઈ કરવાનો નિર્ણય લીધો હતો. આ લોન લાલ બહાદુર શાસ્ત્રીના નિધનના 4 વર્ષ સુધી તેમની પત્નીએ પુરે પુરી ચૂકવી હતી.