ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ – 2021 દરમ્યાન યોજાયેલી ચૂંટણીમાં ભાજપનાં 44 ઉમેદવારોએ ચા-પાણી- બેનરોથી લઈને રેલી-ડીજે સહિતનો તમામ ખર્ચ એકસરખો બતાવવામાં આવ્યો હતો. જે મુદ્દે ચૂંટણી તંત્ર, કલેક્ટર, ખર્ચ ઓબ્ઝર્વરને ફરીયાદો પણ કરવામાં આવી હતી. જો કે આ મુદ્દે કોઈ કાર્યવાહી નહીં થતાં આખરે હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ – 2021 દરમ્યાન યોજાયેલી ચૂંટણીમાં ભાજપનાં 44 ઉમેદવારોએ ચા-પાણી- બેનરોથી લઈને રેલી-ડીજે સહિતનો તમામ ખર્ચ એકસરખો બતાવવામાં આવ્યો હતો. તમામ ઉમેદવારોએ ચા-પાણી- બેનરોથી લઈને રેલી-ડીજે સહિતનો તમામ ખર્ચ એક સમાન બતાવ્યો હતો. આખા ગાંધીનગરમાં ભાજપના ઉમેદવારોએ એક જ ચાની કિટલીવાળાને ત્યાંથી ચા સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હોય, તેવી જ રીતે એક જ જગ્યાએથી મિનરલ પાણીના કેરબા સપ્લાય કરવામાં આવ્યા હોય તે સહિતની ઘણી બાબતોએ એ સમયે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
એક સરખો ખર્ચ બતાવવામાં આવ્યો છતાં ચૂંટણી તંત્ર કે ખર્ચ ઓબ્ઝર્વરથી લઈને ચૂંટણી પંચ દ્વારા કોઈ સવાલ ઉઠાવવામાં આવ્યા ન હતા. ભૂતકાળમાં એક સમયના કોંગ્રેસના નગરસેવક અને હવે પક્ષ પલટો કરી ભાજપમાં જોડાઈ જનાર અંકિત બારોટ દ્વારા પણ જે તે સમયે આ એક સમાન ખર્ચના મુદ્દે કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર રાજ્ય ચૂંટણી પંચને આપવામાં આવ્યું હતું. ઉપરાંત જિલ્લા કલેક્ટરને પણ રજુઆત કરી હતી. પરંતુ આ મુદ્દે આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ભાજપના તમામ ઉમેદવારોના એકસમાન ખર્ચે ગાંધીનગરમાં પણ જે તે સમયે ચર્ચા જગાવી હતી.
હવે આ મુદ્દે હાઈકોર્ટમાં જે પીઆઈએલ કરાઈ છે તેમાં સ્ટેટ ઈલેક્શન કમિશનર, એપ્પેન્ડીચર ઈન્સ્પેક્ટર સ્ટેટ ટેક્ષેસનના આસીસ્ટન્ટ કમિશનર બિપીનકુમાર મેરાભાઈ જોગરાજીયા, જિલ્લા કલેક્ટર ગાંધીનગર ઉપરાંત ભાજપના તમામ 44 ઉમેદવારો વિરૂદ્ધ પીઆઈએલ કરવામાં આવી છે. અરજદારે પીઆઈએલમાં એવું પણ કહ્યું છે કે, ચૂંટણી પંચ દ્વારા આજદિન સુધી કોઈ તપાસ નથી કરવામાં આવી કે નથી કોઈ પગલાં લીધા. ગાંધીનગર કોર્પોરેશનના તમામ ચૂંટાયેલા સભ્યોનું સભ્યપદ રદ કરવા અને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવા માટે પ્રતિવાદી સત્તાધિકારીઓને નિર્દેશ આપવા પીઆઈએલમાં અરજદાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ અંગે આમ આદમી પાર્ટીના કાઉન્સિલર તુષાર પરીખે કહ્યું કે, વર્ષ – 2021 માં મનપાની ચૂટણીમાં ભાજપાનાં 44 ઉમેદવારોએ કોપી પેસ્ટ કરીને એક સમાન ચૂંટણી ખર્ચ રજૂ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે ચૂંટણી આયોગમાં ફરીયાદો પણ કરી હતી. પરંતુ આટલો સમય વીતી ગયો છતાં આજદિન સુધી કાર્યવાહી કે નિષ્પક્ષ તપાસ કરાઈ નથી. જેનાં પગલે હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરાઈ છે.