લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો પર 7 મેએ મતદાન યોજાવાનું છે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન સંભાળી છે. સવારે જામકંડોરણમાં જાહેરસભાને સંબોધ્યા બાદ આજની બીજી સભા ભરૂચના ખડોલી ગામમાં સંબોધી હતી. ત્યાર બાદ ગોધરાના છબનપુર ખાતે આવેલા વિશાળ મેદાનમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ જાહેરસભાને સંબોધતા કોંગ્રેસ પાર્ટીને આડેહાથ લઈ કહ્યું હતું કે, કોંગ્રેસ વોટ બેન્કની રાજનીતિ કરે છે. જ્યારે મોદી ગેરેંટી આપે છે. 7મી તારીખે સૌ મતદાન કરી નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવજો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન સંભાળી છે.ભરૂચના ખડોલીમાં વિજય સંકલ્પ સભાને સંબોધતા શાહે કોંગ્રેસ અને આપ પાર્ટીને આડેહાથ લીધી હતી. કોંગ્રેસને આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી હતી. યુનિફોર્મ સિવિલ કોડને લઈને કહ્યું હતું કે, UCC આદિવાસી ભાઈઓના કાયદા પર લાગુ નહીં પડે. સાથે મોદીની ગેરેંટી આપી હતી કે, મોદી આદિવાસી, દલિત અને OBCની અનામતને હાથ લગાડશે પણ નહીં અને લગાડવા દેશે પણ નહીં.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી પહોંચ્યા છે. આજે સવારે પોરબંદર લોકસભા વિસ્તારમાં આવતા જામકંડોરણામાં અમિત શાહે સભાને સંબોધી હતી. ભરૂચની સભા બાદ ગોધરામાં જાહેરસભા અને સાંજે વડોદરામાં રોડ શો કરશે.
જામકંડોરણામાં સભાને સંબોધી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, બન્ને ચરણમાં રાહુલ બાબાના સૂપડા સાફ થઇ ગયા છે. અયોધ્યામાં રામ મંદિર મુદ્દો કોંગ્રેસ સરકાર 70-70 વર્ષ સુધી ભટકાવતી રહી, આખરે મોદી સાહેબને બીજી વખત વડાપ્રધાન બનાવવામાં આવતા તેમણે રામ મંદિર બનાવી સમગ્ર વાતાવરણ જયશ્રી રામના નામનું કરી દીધું. વધુમાં કહ્યું, સોમનાથ મંદિર સોનાનું બનાવવાનું શરૂ થઇ ગયું છે.