ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલની હત્યાના ઈરાદે કલોલ સિંદબાદ હોટલ આગળ આડેધડ છરીના ઘા ઝીંકવાના ગુનામાં પકડાયેલા રીઢા હુમલાખોરોને સાથે રાખીને ગઈકાલે સાંજના ગાંધીનગર પોલીસે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્યારે એકબીજા સાથે હાથકડીથી બાંધેલાં હુમલાખોરોને પોલીસ કાફલા વચ્ચે ચાલતાં જોઈને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતાં અન્ય ગુનેગારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલ રાજવીરસિંહ યાદવ ગત. 20 મી એપ્રિલની રાતે કલોલ સિંદબાદ હોટલ આગળ ઉભા રહ્યા હતા. આ દરમ્યાન બુકાનીધારી અજાણ્યા બે ઈસમોએ અચાનક જ કોન્સ્ટેબલને છરીના ઘા ઝીંકી ઘાતકી હૂમલો કર્યો હતો. આ હુમલામાં કોન્સ્ટેબલને શરીરે નાની મોટી ઈજાઓ તેમજ ગરદનની પાછળના ભાગે આઠ ટાંકા લેવાની ફરજ પડી હતી. જાહેરમાં પોલીસ કર્મચારીની હત્યા કરવાના ઈરાદે ઘાતકી હૂમલો કરવાની ઘટનાનાં પગલે પોલીસની અલગ અલગ ટીમોએ કલોલમાં ધામા નાખી સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું.
બાદમાં ટેકનિકલ સર્વેલન્સના આધારે તેરસાપરા ચોકડી પાસેથી પ્રવિણ ઉર્ફે ભોલો પરસોત્તમભાઇ ધવલ (રહે. ત્રિકમ નગર, મોચીનું ડેલું, રેલ્વે પૂર્વ, કલોલ), હર્ષદ ઉર્ફે અક્કુ ગણેશભાઇ રાઠોડ (રહે હનુમાનપુરાની ચાલી, સર્કલ પાસે, જુના વાડજ) તેમજ અજયસિંહ ઉર્ફે બાપુ અજીતસિંહ ચાવડાને (રહે. મકાન નંબર 87, ભારત નગર, અનિલ રાજપૂતના મકાનમાં, લાયન્સ નગર પાછળ, આરસોડીયા, કલોલ) ઝડપી લઈ ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.
ત્યારે પોલીસે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતાં પ્રવિણ ઉર્ફે ભોલો વિરુદ્ધ અગાઉ મર્ડર, મારામારી, લૂટ, બળાત્કાર તથા સાબરમતી સેન્ટ્રલ જેલ કૂદી ફરાર થવાના કુલ- 8, હર્ષદ ઉર્ફે અક્કુ વિરુદ્ધ મર્ડર, મારામારી, દારૂની હેરાફેરી તથા ગુંડાધારાના કુલ- 9 ગુના અને અજયસિંહ ચાવડા વિરુદ્ધ પણ લૂટ, મારામારી, હની ટ્રેપ, દારૂની હેરાફેરી જેવા કુલ- 18 ગુના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું.