લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, આગામી 7મેએ ગુજરાતમાં તમામ 26 બેઠકો પર એક જ દિવસે મતદાન યોજાવવાનું છે. ભાજપ-કોંગ્રેસની સાથે સાથે આપના નેતાઓ પ્રચારમાં પુરજોશ કામે લાગ્યા છે, ત્યારે હવે ચૂંટણી પ્રચારમાં નવા નવા શબ્દો અને તરકીબો સામે આવી રહી છે. ગુજરાતમાં રાજકારણાં ‘પાઘડી’ની એન્ટ્રી થઇ છે. મહેસાણા લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે ફરી એકવાર ‘પાઘડી’થી પ્રચાર કર્યો છે.
ખરેખરમાં, મહેસાણા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર પુરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે, હાલમાં જ તેમને વિજાપુર તાલુકામાં એક જનસભાને સંબોધતા ‘પાઘડી’ પ્રચાર શરૂ કર્યો હતો. ગઇકાલે કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે કુકરવાડામાં એક ચૂંટણી સભાને સંબોધી હતી, આ સભામાં મોટાભાગે ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા, અહીં રામજી ઠાકોરે ‘પાઘડી’ રાજનીતિ શરૂ કરી હતી. કુકરવાડામાં સભા સંબોધતા વખતે રામજી ઠાકોરે ફરી એકવાર પોતાની પાઘડી ઉતારી દીધી હતી, તેમને પાઘડી ઉતારી ક્ષત્રિય સમાજના લોકો પાસે મતની અપીલ કરી હતી. ઠાકોર સમાજને પાઘડીની આબરૂ રાખવા બે હાથ જોડીને રામજી ઠાકોરે અપીલ કરી હતી, અને કહ્યું કે આ ઠાકોરની આબરૂ રાખજો. ખાસ વાત છે કે, આ અગાઉ પણ કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરે મહેસાણાની એક જનસભામાં પોતાની પાઘડી ઉતારીને મત આપવા અપીલ કરી હતી.