ગાંધીનગર લોકસભા ચૂંટણી શાંતિપુર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાંનો દૌર શરૃ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ચૂંટણી જાહેર થઇ ત્યારથી અત્યાર સુધી સાડા સાત હજારથી વધુ તત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એટલુ જ નહીં, પ્રોહિબીશન ડ્રાઇવ અતંર્ગત દેશી-વિદેશી દારૃના ૭૮૭થી વધુ ગુના પણ નોંધવામાં આવ્યા છે અને ચૂંટણી સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવનાર છે.
લોકસભાની ચૂંટણી અંતર્ગત આદર્શ આચારસંહિતાનું પાલન કરવા માટે ચૂંટણી તંત્રની સાથે પોલીસ પણ મેદાન ઉતરી આવી છે ત્યારે આગામી સાત મેના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવાની છે ત્યારે ચૂંટણી સમયે કોઇ અનિશ્ચનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા અટકાયતી પગલાંનો દૌર શરૃ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આચારસંહિતા લાગુ થઇ ત્યારથી અત્યાર સુધી અલગ અલગ પોલીસ મથકોને કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે આજદિન સુધીમાં પોલીસે ચૂંટણીમાં શાંતિ ડોહળી શકે અને અગાઉ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય તેવા સાડા સાત હજાર વ્યક્તિઓની અટકાયત કરીને જામીન લેવડાવ્યા છે.એટલુ જ નહીં, ચૂંટણી ટાળે ગંભીર ગુનાઓમાં સંકળાયેલા લોકોને તડીપાર કરવા માટેના પગલાં પણ ભરવામાં આવશે. ચૂંટણીમાં ખાસ કરીને દેશી વિદેશી દારૃની હેરાફેરી વધતી હોય છે પોલીસ દ્વારા જિલ્લામાં અત્યાર સુધી ૭૮૭ જેટલા પ્રોહિબીશનના ગુના દાખલ કરીને લીસ્ટેડ બુટલેગરોને પાસા હેઠળ ધકેલવાની કામગીરી પણ કરવામાં આવનાર છે. તો જિલ્લામાં પોલીસ દ્વારા ઉભી કરવામાં આવેલી ૧૩ જેટલી ચેકપોસ્ટ ઉપર પણ અત્યાર સુધીમાં ૧૨ હજાર જેટલા વાહનો તપાસવામાં આવ્યા છે. જેમ જેમ ચૂટંણી નજીક આવશે તેમ તેમ આ ચેકપોસ્ટને વધુ કડક બનાવવામાં આવશે.