પશ્ચિમ બંગાળના એક વૃદ્ધ દંપતીના 19 વર્ષના પુત્રએ ગયા વર્ષે આત્મહત્યા કરી હતી. પુત્રના અભાવની ભરપાઈ કરવા માટે 59 વર્ષના પતિ અને 46 વર્ષની પત્નીએ કોલકાતા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. બંનેએ કોર્ટમાં અરજી કરીને આઈવીએફ દ્વારા સારવાર કરાવવાની પરવાનગી માંગી હતી. કોર્ટે અરજી પર સુનાવણી કરતા આઈવીએફ દ્વારા સારવાર માટે વિશેષ પરવાનગી પણ આપી હતી.પતિની ઉંમર 55 વર્ષથી વધુ હતી તેથી બંનેએ કોર્ટનો સંપર્ક કરવો પડ્યો હતો.
વાસ્તવમાં, વર્ષ 2021માં લાગુ કરવામાં આવેલ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી એક્ટ મુજબ આઈવીએફ ટેક્નોલોજી દ્વારા સારવાર માટે નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમ અનુસાર, હોસ્પિટલોને 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ અને 55 વર્ષથી વધુ ઉંમરના પુરુષોને આઈવીએફ ટેક્નોલોજીથી સારવાર આપવાની મંજૂરી નથી.
માહિતી અનુસાર, ઓક્ટોબર 2023માં આ દંપતીએ આત્મહત્યામાં તેમના એકમાત્ર સંતાનને ગુમાવ્યા પછી, તેઓએ ફરીથી માતાપિતા બનવા માટે એક ખાનગી ક્લિનિકનો સંપર્ક કર્યો. ક્લિનિકના ડોકટરોએ એગ ડોનેશન સાથે આઈવીએફની પ્રક્રિયા દ્વારા મહિલાને તબીબી રીતે ફિટ અને બાળકને જન્મ આપવા માટે લાયક જાહેર કરી. 59 વર્ષની વયે વય મર્યાદા વટાવી ચૂકેલા પતિ સાથે કાનૂની વિવાદ હતો. જેના કારણે દંપતીએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે પત્નીની ઉંમર 46 વર્ષ છે. તેણી વય મર્યાદા ઓળંગતી નથી. કોર્ટે કહ્યું કે દંપતી આઈવીએફ દ્વારા બાળક પેદા કરવા માટે સ્વતંત્ર છે. પોતાના આદેશમાં જસ્ટિસ સબ્યસાચી ભટ્ટાચાર્યએ કહ્યું કે એક્ટ મુજબ, માનવ શરીરની બહાર શુક્રાણુ અથવા ઇંડા (અંડાશયમાં એક કોષ)ને હેન્ડલ કરીને ગર્ભધારણ કરી શકાય છે. તેણે કહ્યું કે તેમાંથી કોઈ એક જ દંપતીમાંથી આવવું જોઈએ કે કેમ તેના પર કોઈ પ્રતિબંધ નથી.