સુરેન્દ્રનગરના ચોટીલાના રાજાવાડ ગામમાં રહેતા અને ચાર દિવસથી ગુમ યુવકની આજે સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. યુવકની હત્યા કરી લાશને સળગાવી નાખી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. પરિવારજનો અને ગામલોકોએ લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી ચોટીલા પાસે નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી દેતા પોલીસતંત્રમાં દોડધામ મચી હતી. હાઈવે પરથી લોકોને દૂર કરતા ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ઘટનાના પગલે સુરેન્દ્રનગર એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ચોટીલા પહોંચ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતકની લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટમાં મોકલાવામાં આવી છે.પોલીસે આ મામલે મૃતકના પરિવારજનોની ફરિયાદ લેવા માટે પણ તજવીજ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના રાજાવાડ ગામમાં રહેતો દિલીપ વાઘેલા નામનો યુવક ચાર દિવસથી ગુમ હતો. જેની આજે દેવસર ગામની સીમમાંથી સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા ચોટીલા પોલીસ તુરંત ઘટનાસ્થળ પર પહોંચી લાશને પીએમ માટે ચોટીલા હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં મૃતકના પરિવારજનો અને ગામલોકો એકઠા થયા હતા અને દિલીપની હત્યા કરી લાશને સળગાવી નાખી હોવાનો આક્ષેપ કર્યો હતો. લોકોએ રોષે ભરાઈને રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે ચક્કાજામ કર્યો હતો અને બાદમાં ચોટીલા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.
ચોટીલામાં ચક્કાજામ અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ થતા જ એસપી અને ડીવાયએસપી સહિતનો કાફલો ચોટીલા પહોંચ્યો હતો. હાઈવે પર પોલીસના ધાડેધાડ ઉતરી પડ્યા હતા અને લોકોને દૂર કર્યા હતા. પોલીસ સ્ટેશન પર પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
દિલીપ વાઘેલાની હત્યા કરાઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરતા પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે લાશનો ફોરેન્સિક પીએમ કરાવવાનો નિર્ણય કર્યો છે અને લાશને રાજકોટ મોકલવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જૂની અદાવતમાં આ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે મૃતકના પરિવારજનોની ફરિયાદ લેવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ સ્થિત સંપૂર્ણ કાબૂમાં હોવાનું જાણવા મળ્યું છે.