ગાંધીનગર જિલ્લાના દહેગામ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી ફરજ નિભાવનાર કર્મીઓની હાલત લથડી હોવાની વિગતો મળી છે. જેમાં ૭૦ જેટલા પ્રાયમરી શિક્ષકો અને ૨૫ માધ્યમિકનાં શિક્ષકોને ઝાડા ઉલ્ટી થયા હોવાનું પ્રાથમિક સામે આવ્યું છે. મામલો સામે આવ્યા બાદ તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને વિગતો મેળવી રહ્યું છે. જોકે આ મામલે કર્મચારીઓ આ માટે ભોજનને કારણભૂત માની રહ્યા છે તો બીજી શક્યતા વધુ પડતી ગરમી હોવાનું કહી તંત્ર લૂલો બચાવ કરી રહ્યું છે.
લોકસભાની ચૂંટણી માટે ગત મંગળવારે સમગ્ર રાજ્યની ૨૫ બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ વિધાનસભા મત વિસ્તારમાં અમદાવાદ પૂર્વની લોકસભા બેઠક માટે મતદાન પ્રક્રિયા કરવામાં આવી હતી.
જેમાં ગાંધીનગર જિલ્લામાંથી અલગ અલગ અધિકારી કર્મચારીઓને મતદાન મથકો ઉપર ફરજ સોંપવામાં આપવામાં આવી હતી. જેમાં પ્રાથમિક શિક્ષકોનો પણ સમાવેશ થયો હતો. સોમવારે સવારે આ કર્મચારીઓ દ્વારા એવીએમ મશીન ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી મેળવીને મતદાન મથક સુધી પહોંચ્યા હતા. જ્યાં તેમના માટે બપોરે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારબાદ મંગળવારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી દહેગામ કોલેજ ખાતે રિસીવિંગ સેન્ટર ખાતે પણ કર્મચારીઓ માટે ચૂંટણી તંત્ર દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં કેટલા કર્મચારીઓ દ્વારા ઇવીએમ જમા કરાવીને જમ્યા બાદ પોતપોતાના ઘરે રવાના થઈ ગયા હતા. જોકે ભોજન લેનાર કર્મચારીઓને રાત્રે જ ઝાડા ઉલટી થઈ ગયા હતા તો ગઈકાલે સવારે પણ કર્મચારીઓને ઝાડા ઉલટી થયા હોવાની વિગતો બહાર આવી હતી. જેના પગલે જિલ્લાનું વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું જોકે કોઈ કર્મચારીને હોસ્પિટલ દાખલ કરવા પડયા હોય તેવી સ્થિતિ સર્જાઇ નથી પરંતુ મતદાન પ્રક્રિયાની કામગીરીમાં જોતરાયેલા ૧૦૦થી વધુ કર્મચારીઓ આ પ્રકારે ફૂડ પોઈઝનિંગનો ભોગ બનતા તંત્ર દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે.આ અંગે મામલતદાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, આ ફરિયાદ મળી છે અને જે કોઈ જવાબદાર હશે તેની સામે પગલા લેવામાં આવશે. તો મોટી સંખ્યામાં કર્મચારીઓ બીમારીમાં સપડાતા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.