ગાંધીનગરમાં અડાલજ ચોકડી પાસે આરવર્લ્ડ સિનેમા સામે આવેલા પ્રભા હનુમાનજી મંદિરનો વિવાદ સામે આવ્યો છે. મંદિરની માલિકી ગામલોકોની હોવા છતાં કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદે મહંત તરીકે કાલુપુરના સાધુની નિમણૂક કરી દેતાં ગામલોકોએ ગેટને તાળાં મારીને વિરોધ ઉઠાવ્યો હતો.
આ બનાવના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. એમાં એક વીડિયોમાં એક વ્યક્તિ બોલતી સંભળાય છે કે: ‘તમે કહો તો વિજય સ્વામીને બહાર મોકલી દઈએ…’ ‘કાયદેસર હોય તો લખાણ લઈ આવો.’
એક તરફ મંદિરના દરવાજાના તાળાં મારીને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોવા મળે છે તો બીજી તરફ સ્વામીનારાયણના કેટલાક સાધુઓ સાથેના લોકો જોવા મળે છે. દરવાજાની બન્ને તરફના લોકો વચ્ચે કેટલીક વાતો થઈ રહી છે. આ વાતચીત અને હોબાળા વચ્ચે ‘સ્વામીને આવવા દો’ એમ કહેવામાં આવતાં લોકોએ જોરદાર વિરોધ ઉઠાવ્યો હતો. ‘તમારા વિજય સ્વામીને લઈ જાઓ અહીંથી… અમારા ગામના હનુમાન છે.’
દરમ્યાન આ બનાવ વિશે વાઇબ્સ ઓફ ઇન્ડિયા દ્વારા અડાલજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે બનાવ વિશે કોઈ નોંધ થઈ હોવાનું જાણવા મળ્યું નહોતું. અલબત્ત વાઇરલ વીડિયોમાં ઘટના સ્થળે પોલીસ જોવા મળી હતી.
અડાલજ ચોકડી પાસે જમિયતપુરા રોડ પર વર્ષો જૂનું પ્રભા હનુમાનજીનું મંદિર આવેલું છે. વર્ષો અગાઉ અહીં હનુમાનજીની નાનકડી મૂર્તિ ધરાવતી દેરી હતી, 25 વર્ષ પહેલાં આ દેરીનો જીર્ણોદ્ધાર કરીને ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિર પાસે પ્રભા નામનું તળાવ પણ આવેલું છે તેથી આ મંદિરને પ્રભા હનુમાનજી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. કુલ 3 એકર જમીનમાં ફેલાયેલું મંદિર ખૂબ જ નયનરમ્ય છે. ધાર્મિક ઈતિહાસ પ્રમાણે આ મંદિરની સ્થાપના સ્વામિનારાયણ કાલુપુર મંદિરના પ્રથમ આચાર્ય શ્રીઅયોધ્યા પ્રસાદજીએ કરી હતી. પ્રભા હનુમાનજીની મૂર્તિ અંદાજે 150 વર્ષ જૂની હોઈ શકે છે.