દેશમાં ચૂંટણીઓના માહોલ વચ્ચે કરોડો રૂપિયા પકડાઇ રહ્યાં છે, હવે આંધ્રપ્રદેશમાં એક ટેમ્પોનો અકસ્માત થયો અને તેમાંથી 7 કરોડ રૂપિયા ઝડપાઇ ગયા. રોડ પર ભેગા થઇ ગયેલા સ્થાનિક લોકો પણ આ રકમ જોઇને ચોંકી ગયા હતા.
વિજયવાડાથી વિશાખાપટ્ટનમ જઈ રહેલું વાહન પલટી ગયું ત્યારે સ્થાનિક લોકોએ જોયું કે તેમાં 7 કાર્ડબોર્ડ બોક્સ ભરેલા હતા, જેમાં મોટી માત્રામાં રોકડ હતી.
આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરીમાં પોલીસે ચૂંટણી આચારસંહિતા લાગુ થવા વચ્ચે 7 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. આ કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે નલ્લાજરલા મંડલના અનંતપલ્લીમાં એક લારી સાથે અથડાયા બાદ વાહન પલટી ગયું. આ વાહનમાંથી સાત બોક્સમાં રાખેલી 7 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે.
આ માહિતી તાત્કાલિક પોલીસને આપવામાં આવી હતી. અકસ્માત બાદ ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર માટે ગોપાલપુરમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે કહ્યું કે આચારસંહિતા દરમિયાન આટલી મોટી રકમ મળવી શંકાસ્પદ છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ પૈસા ક્યાંથી આવતા હતા અને ક્યાં લઇ જવાતા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે એમ પણ કહ્યું હતું કે તેમણે આ મામલે ચૂંટણી પંચને જાણ કરી છે.