દિલ્હી એનસીઆરમાં આકરી ગરમી વચ્ચે શુક્રવારે રાત્રે ધૂળની ડમરીઓ સાથે હળવો વરસાદ થયો હતો. આ દરમિયાન વૃક્ષો પડવાથી બે લોકોનાં મોત થયા હતા. જોરદાર વાવાઝોડાને કારણે ઘણી ઇમારતોને પણ નુકસાન થયું છે. વાવાઝોડાને કારણે વિવિધ અકસ્માતોમાં કુલ 23 લોકો ઘાયલ થયા છે. પવનની ઝડપ 50 થી 70 કિમી પ્રતિ કલાકની વચ્ચે નોંધાઈ હતી.
દિલ્હી એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે 9 ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરવામાં આવી છે. રસ્તાઓ પર વૃક્ષો પડવાને કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે. પોલીસે જણાવ્યું કે તેમને વૃક્ષો પડવા સંબંધિત 152, ઈમારતોને નુકસાન સંબંધિત 55 અને પાવર કટ સંબંધિત 202 કોલ મળ્યા છે.
તોફાન અને વરસાદ બાદ દિલ્હી NCRમાં વધતા તાપમાનથી લોકોને રાહત મળી છે. શનિવારે સવારથી વાતાવરણ ખુશનુમા રહ્યું હતું. કેટલાક સ્થળોએ હળવા ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે.
વરસાદને કારણે ઉત્તરાખંડમાં પણ તારાજી સર્જાઈ છે.
રાજ્યના પહાડી વિસ્તારોમાં અને બદ્રીનાથ હાઈવે પર પીપલ કોઠી પાસે ભારે વરસાદને કારણે બે લોકોનાં મોત થયા છે. જ્યારે છ લોકો ઘાયલ થયા હતા. ઇમારતોને નુકસાન થવાથી 17 લોકો ઘાયલ થયા છે.
બદ્રીનાથ-ઋષિકેશ હાઈવે સિરોબાગઢ પાસે રોડ પર કાટમાળ જમા થવાને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે બદ્રીનાથ અને કેદારનાથ જતા મુસાફરોને શ્રીકોટ-શ્રીનગર અને કાલિયાસુદ ખાતે રોકી દેવામાં આવ્યા છે. સિરોબાગઢમાં, પહાડ પરથી સતત કાટમાળ અને પથ્થરો પડવાને કારણે રસ્તો ખુલી શકતો નથી.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે દેશના 13 રાજ્યોમાં વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન ઉપરાંત, તેમાં ઉત્તરાખંડ, તમિલનાડુ, દક્ષિણ પંજાબ, હરિયાણા, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, કર્ણાટક અને કેરળનો સમાવેશ થાય છે.
IMD અનુસાર, મહારાષ્ટ્રના વિવિધ સ્થળોએ આજે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે આંધી અને કરા પડવાની શક્યતા છે. 12 અને 13 મેના રોજ મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં આંધી અને કરા પડવાની સંભાવના છે.
દેશના 7 રાજ્યોમાં પણ ગરમીની અસર જોવા મળી રહી છે. શુક્રવારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, ઓડિશા, મહારાષ્ટ્ર, હરિયાણા અને તેલંગાણામાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું હતું. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આજે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભેજવાળી ગરમી યથાવત રહેશે.